પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે હરિયાણાના રોહતકમાં વિજય સંકલ્પ રેલીમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે આ સંયોગ છે કે જ્યારે કેન્દ્ર સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થયા છે ત્યારે હું હરિયાણા આવ્યો છું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કર્યો. મોદીએ કહ્યું- ૧૦૦ દિવસમાં અમુકો લોકોને કંઇ સમજાતુ નથી. અમુક લોકો ચૂંટણીમાં હારવાથી એટલા બેહાલ છે કે મન સુન્ન થઇ ગયું છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હવે હિન્દુસ્તાનમાં ઈસરો સ્પિરિટ ચાલશે.દેશમાં નકારાત્મકતાને કોઈ સ્થાન નથી. દેશ પરાક્રમ અને પુરૂષાર્થની પૂજા કરે છે. જે લોકો નિરાશામાં જીવે છે તેમણે સંકલ્પ અને અપેક્ષાની શું તાકાત હોય છે તે ૧૦૦ સેક્ન્ડમાં જોઈ લીધુ હશે.
તેમણે કહ્યું- આ ૧૦૦ દિવસ વિકાસ અને વિશ્વાસના રહ્યા છે, દેશમાં મોટા પરિવર્તન થઇ રહ્યા છે. આ સો દિવસ નિર્ણય, નિષ્ઠા અને સારી નિયતના રહ્યા છે. મોદીએ કહ્યું કે આ વખતે સંસદ સત્રમાં જેટલા બિલ પાસ થયા , જેટલું કામ થયું તેટલું કામ સંસદના કોઇ સત્રમાં છેલ્લા છ દાયકામાં નથી થયું. ખેતીથી લઇને રાષ્ટ્ર સુરક્ષાથી જોડાયેલા મોટા નિર્ણય સરકાર કરી શકી છે. આતંકવાદથી છૂટકારો મેળવવા, મુસ્લિમ બહેનોના અધિકારોની સુરક્ષા માટે ઘણા કાયદા બનાવ્યા.
મોદીએ કહ્યું કે ગત પાંચ વર્ષોમાં હરિયાણાને ભાજની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ડબલ એન્જિનનો પૂરો લાભ મળ્યો છે. વર્તમાનમાં હરિયાણામાં કેન્દ્ર સરકારની મદદથી લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. ગત પાંચ વર્ષોમાં હરિયાણામાં પરિવારવાદ અને ભ્રષ્ટાચાર પર આકરો પ્રહાર કરવામાં આવ્યો છે. સરકારી નોકરીઓમાં ખોટી પરંપરાઓને ખતમ કરવામાં આવી છે. આ પાંચ વર્ષોમાં બેરોજગાર યુવાઓના કૌશલ્યથી લઇને તેમને મળનારી મદદમાં વૃદ્ધિ કરવામાં આવી છે.તેમણે કહ્યું, હરિયાણામાં પહેલા એ મુખ્યમંત્રી બનતા હતા જે દિલ્હીમાં ટ્રક ભરીને લોકોને લઇ આવે અને પ્રધાનમંત્રીના ઘરની બહાર ઢોલ અને નગારા વગાડીને પ્રધાનમંત્રીની જયજયકાર કરે. પાછલા પાંચ વર્ષોમાં અહીંયા મુખ્યમંત્રીઓને ટ્રક ભરવાનું કામ નથી કરવુ પડ્યું.મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની ૧૮ ઓગસ્ટથી શરુ થયેલી જન આશીર્વાદ યાત્રાનું આજે સમાપન થયું હતું.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આચારસંહિતા લાગૂ થઇ શકે છે.