આવતીકાલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાત હાઈકોર્ટ ખાતે નવ નિર્મિત કાયદા ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યના કાયદા વિભાગ દ્વારા અંદાજે રૂ.૩૯ કરોડના ખર્ચે કાયદા ભવનને તૈયાર કરવામાં આવ્યું છે. લોકાર્પણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના જજ આર.સુભાષ.રેડ્ડી અને જસ્ટિસ એમ.આર.શાહ ખાસ ઉપસ્થિત રહેશે. સુપ્રીમકોર્ટના આ બંને જજીસની હાજરી ખાસ નોંધનીય બની રહેશે. ગુજરાત હાઇકોર્ટમાં હાલ જુનું કાયદા ભવન કાર્યરત છે પરંતુ ઘણા સમય પહેલા બનેલું હોવાના પગલે સુવિધામાં ઘટ પડતી હતી. સાથે સાથે બદલાતાં સમયના પગલે તેમાં માળખાકીય સુવિધામાં બદલાવની આવશ્યકતા હતી. ત્યારે નવું કાયદા ભવન વિશાળ બેઠક વ્યવસ્થા, અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીના સભર બનાવવામાં આવ્યું છે. ભવનમાં કોન્ફરન્સ રૂમ, રેકર્ડ રૂમ, એડવોકેટ જનરલ ચેમ્બર, એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર ચેમ્બર સહિત અન્ય સુવિધાઓના પગલે પક્ષકારો અને કાયદા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓને પોતાના કેસોનું બ્રિફીંગ કરી શકશે. ગુજરાત હાઈર્કોટમાં બનાવાયેલા આ કાયદા ભવનનું આવતીકાલે સાંજે ૬ કલાકે સીએમના હસ્તે લોકાર્પણ થવાનું છે તે પ્રસંગે ગુજરાત હાઈર્કોટના કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત એસ. દવે, રાજ્યના કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહ અને કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને કેન્દ્રના સોલીસીટર જનરલ તુષાર મહેતા ઉપસ્થિત રહેશે. લોકાર્પણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના જજ આર.સુભાષ.રેડ્ડી અને જસ્ટિસ એમ.આર.શાહ ખાસ ઉપસ્થિત રહેશે. આ સાથે ગુજરાત હાઈર્કોટના એડવોકેટ જનરલ કમલ બી.ત્રિવેદી, એડીશનલ એડવોકેટ જનરલ પ્રકાશ.કે.જાની, ગવર્મેન્ટ પ્લીડર મનિષાબેન લવ કુમાર, રાજ્યના કાયદા વિભાગના ઇન્ચાર્જ સચિવ મિલન દવે સહિત હાઇકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રીઓ અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.