વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં આજે પુરૂષોના વર્ગની ફાઇનલ મેચમાં સ્પેનના રાફેલ નડાલે રશિયાના દાનિલ મેદવેદવ પર અતિ રોમાંચક મેચમાં જીત મેળવી હતી. આ મેચ આશરે પાંચ કલાક સુધી ચાલી હતી.
મેદવેદેવ પર નડાલે આ મેચ ૭-૫, ૬-૩, ૫-૭, ૪-૬ અને ૬-૪થી જીતી લીધી હતી. મેદવેદેવે જોરદાર ટક્કર મેચમાં આપી હતી. પાંચ કલાક સુધી ચાલેલી આ મેચમાં ટેનિસ ચાહકોને હાઇ ક્વાલિટી રમત જોવા મળી હતી. આ જીતની સાથે જ નડાલે પોતાની કેરિયરની ૧૯મી ગ્રાન્ડ સ્લેમ જીતી લીધી હતી.
નડાલ હવે ફેડરરની ૨૦ ટ્રોફીથી માત્ર એક ટ્રોફી દુર છે. તે શરૂઆતમાં ઘાયલ હતો. જો કે શાનદાર રમત જારી રાખી હતી. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે.
વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે.
યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે.
સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર,કોનર્સ, પેટ સામ્પ્રસના નામ ઉપર છે.આ ત્રણેય ખેલાડીઓએ પુરુષ વર્ગમાં સિંગલ્સ સ્પર્ધા પાંચ-પાંચ વખત જીતી છે. નડાલે આ ટ્રોફી ચાર વખત જીતી છે.મહિલા સિંગલ્સનો તાજ મોટા અપસેટ સર્જીને ટીનેજર ખેલાડી બિયાંકા એન્ડ્રીસ્કુએ જીત્યો છે.