વર્લ્ડ કપની સેમીફાઇનલમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં શાનદાર જીત નોંધાવી છે. જેનું ઈનામ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને મળવાનું છે. તેમની સૅલરીમાં ૨૦ ટકાનો વધારો થવાનો છે.
એક અહેવાલ મુજબ, હવે મુખ્ય કોચને ૯.૫થી ૧૦ કરોડ રૂપિયા વાર્ષિક મળશે. આ પહેલા શાસ્ત્રીને લગભગ ૮ કરોડ રૂપિયા વાર્ષિક મળી રહ્યા હતા. આગામી બે વર્ષ સુધી શાસ્ત્રી વધેલી સૅલરી સાથે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રહેશે.
તેની સાથે રવિ શાસ્ત્રીની સૅલરી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીથી પણ વધી જશે. હાલમાં ભારતીય કેપ્ટનને ૭ કરોડ રૂપિયા વાર્ષિક મળે છે. રવિ શાસ્ત્રી ઉપરાંત સપોર્ટ સ્ટાફની સૅલરીમાં પણ સારો એવો વધારો થવાની શક્યતા છે. બોલિંગ કોચ ભરત અરુણને ૩.૫ કરોડ રૂપિયા મળશે, જ્યારે વિક્રમ રાઠોડને લગભગ ૨.૫થી ૩ કરોડ રૂપિયા મળી શકે છે.
રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યુ. ટી૨૦, વનડે અને ટેસ્ટ સીરીઝમાં એક પણ મેચ ગુમાવ્યા વિના ટીમ ઈન્ડિયાએ સીરીઝ પોતાના નામે કરી. વર્લ્ડ કપની સેમીફાઇનલમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાનો આ પહેલો પ્રવાસ હતો, જ્યાં વિરાટ કોહલીની ટીમે યાદગાર જીત નોંધાવી. હવે ટીમની સામે મોટો પડકાર સાઉથ આફ્રિકા છે. જે ૧૫ સપ્ટેમ્બરથી પોતાના ભારત પ્રવાસની શરૂઆત કરશે.