અમદાવાદ શહેરમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત ન હોવાના બનાવો સામે આવતા રહ્યા છે. જોકે, હવે ખુદ પોલીસ પણ સુરક્ષિત ન હોવાની ઘટના સામે આવી છે.
વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોવાનું માનીને કિન્નરે પોલીસ સાથે ઝઘડો કર્યો હતો અને પોલીસને ધમકી આપી કે તમે ખોટી ફરિયાદ નોંધવાની હિંમત જ કેવી રીતે કરી? તમે રોડ પર નીકળશો એટલે છરી મારી દઇશ. હાલ વાડજ પોલીસે આ મામલે વધુ એક ગુનો નોંધી ધમકી આપનાર કિન્નરની અટકાયત કરી છે.
બનાવની વિગત જોઈએ તો, વાડજ પોલીસ બપોરના સુમારે પોતાના કામમાં વ્યસ્ત હતી. આ સમયે પુરૂષોત્તમ ઉર્ફે પ્રાંજલ દે નામનો કિન્નર પોલીસ સ્ટેશનઆવી પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનના એક રૂમમાં જઇને પ્રાંજલે કહ્યું કે, “તમે અમારી સામે કેમ ખોટી ફરિયાદ નોંધી છે. અમને કેમ હેરાન કરો છો?”
જવાબમાં પોલીસે જણાવ્યું કે તેઓએ તેમની સામે કોઇ ફરિયાદ લીધી નથી. તેમ છતાં પ્રાંજલ ઉશ્કેરાય ગયો હતો અને પોલીસને ચીમકી ઉચ્ચારી હતી. પ્રાંજલે પોલીસને કહ્યું તહું કે, “તમે અમને માસીબાને ઓળખતા નથી, તમે મારા વિરુદ્ધમાં ફરિયાદ લીધી છે તો હવે તમને અહીં જીવવા નહીં દઉં અને જ્યાં મોકો મળશે ત્યાં છરી મારી દઇશ. તમારો બક્કલ નંબર આપો, તમને બધાને જોઇ લઇશ.”