ગુજરાતભરમાંથી બાળકોની ઉઠાંતરી કરીને ભીખ મંગાવી અને ચોરી જેવી અસામાજિક પ્રવૃત્તિ કરાવનાર ગેંગના મુખ્ય સૂત્રધારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેતાબ ઉર્ફે શિવમની ધરપકડ કરી છે. આરોપી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભરાતા મેળા કે પછી રેલવે સ્ટેશન પરથી નાના બાળકોની ઉઠાંતરી કરતો હતો અને તેઓની પાસે ભીખ મંગાવી તેમજ ચોરી કરાવવા જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરાવતો હતો.
અગાઉ મહિલા ક્રાઇમ બ્રાંચે શિવમની માતા આનંદી સલાટ તેમજ અન્ય એક મહિલાની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં શિવમનું નામ બહાર આવતા તે ફરાર થઈ ગયો હતો. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચને માહિતી મળતા જ લોનાવાલા પાસેથી તેની ધરપકડ કરી છે. આરોપી તેની માતા આનંદી સલાટ સાથે છેલ્લા ૨૦ વર્ષથી વટવા વિસ્તારમાં રહેતો હતો. તેઓ બાળકોને ઉઠાંતરી કરીને તેઓની પાસે અસામાજિક પ્રવૃત્તિઓ કરાવતા હતા.
પકડાયેલો આરોપી શિવમ છેલ્લા સાત વર્ષથી લોનાવાલા ખાતે રહેવા ચાલ્યો ગયો હોવાનું તપાસ દરમિયાન બહાર આવી છે. શિવમે પાંચ વર્ષ પહેલા સુરત રેલવે સ્ટેશન પરથી બે બાળકીઓનું અપહરણ કર્યું હતું તેની પાસે ભીખ માંગવી અને ચોરી કરવાનુ પ્રવૃત્તિ કરાવતો હતો. જોકે, આ બંને બાળકીઓ વટવા પોલીસના હાથે પકડાઈ જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી વટવામાં માનવનગરમાં રહેતા આનંદી સલાટ અને સંપત્તિ મદ્રાશીની ધરપકડ કરીને કેટલાક બાળકોને મુક્ત કરાવ્યા હતા.