મધ્યપ્રદેશના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકારની સ્થિતિ મચી ગઈ છે. અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઘર પાણીમાં ડુબી રહ્યા છે. લોકોને બચાવવાના કામ ઝડપી બનાવવામાં આવી રહ્યા છે. ૧૧ જિલ્લાઓમાં ભારે વરસાદ અને પુરની અસર વધારે જોવા મળી રહી છે. ૩૨ જિલ્લાઓમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઇને ભોપાલ, મંડલા, શિવની જિલ્લાના સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જબલપુર, હોસંગાબાદ, હરદા સહિત અન્ય વિસ્તારોમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સતત ભારે વરસાદના લીધે ભોપાલમાં સ્કુલ અને કોલેજોને બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ પરીક્ષાઓને પણ મોકૂફ કરવામાં આવી છે. તમામ સરકારી, ખાનગી, સીબીએસઈ અને અન્ય સ્કુલો બંધ રાખવામાં આવી રહી છે. ઇટારસીના રાજકીય રેલવે પોલીસના કહેવા મુજબ પાંચ આરોપી રવિવારના દિવસે પાણીમાં ડુબી ગયા બાદ તેમને પહેલા માળ ઉપર લઇ જવામાં આવ્યા હતા. કસ્ટડીમાં રાખવામાં આવેલા આરોપીઓ પાણીમાં ડુબી જતાં તેમને તરત જ ઉપર ખસેડવામાં આવ્યા હતા. બે આરોપીઓને મોબાઇલ ફોન ચોરીના આરોપમાં પકડી લેવામાં આવ્યા હતા. કોલાર ક્ષેત્રમાં ૨૦ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હરદા જિલ્લામાં જેલમાં પણ પાણી ઘુસી ગયા છે જેથી કેદીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે. મંડલામાં નર્મદા નદી ભયજનક નિશાનથી ચાર ફુટ ઉપર પહોંચી ગઈ છે. ડાઉન સ્ટ્રીમ બર્ગીમાં વિશાળ જળાશય છે જ્યા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળસ્તરમાં વધારો થયો છે. ઇન્દિરા સાગર બંધને ખોલવામાં આવ્યા બાદ સ્થિતિ સુધારવાના પ્રયાસ થઇ રહ્યા છે. નર્મદા ખીણમાં સ્થિતિ ખુબ જટિલ બનીછે. અહીં ગુજરાત સરોવર બંધ પણ ભરપુર આવક ધરાવે છે.