ધોળકા વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને હાલના રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી ઇલેકશન પિટિશનની સુનાવણી દરમ્યાન આજે એક તબક્કે ચુડાસમાએ હાઇકોર્ટની બિનશરતી માફી માંગી હતી. આજે આ કેસની સુનાવણી દરમ્યાન રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રૂબરૂ અદાલત સમક્ષ હાજર રહ્યા હતા અને દિવસ દરમ્યાન તેમની ઉલટતપાસ ચાલી હતી. અરજદાર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડના વકીલ તરફથી કેટલાક મહત્વના અને વેધક સવાલો અને પૃચ્છા ચુડાસમાને કરવામાં આવ્યા હતા. જેનો જવાબ આપવાનો અને ટાળવાનો પણ ચુડાસમાએ પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન અગાઉ ચુડાસમાએ સુપ્રીમકોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં હાઇકોર્ટની કામગીરી સામે ઉઠાવાયેલા વાંધા મુદ્દે હાઇકોર્ટની માફી માંગી ભારે દિલગીરી વ્યકત કરી હતી. ચુડાસમાનો એવીડેન્સ રેકોર્ડ કર્યા બાદ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૧૨મી સપ્ટેમ્બરે રાખી હતી. ભૂપેન્દ્રસિંહની જુબાની દરમ્યાન એક તબક્કે હાઇકોર્ટે તેમને બહુ માર્મિક ટકોર કરી હતી કે, કોર્ટમાં વકીલના સવાલનો જ જવાબ આપો. વકીલ સવાલ કરે એ પહેલા ન બોલો, આ કોર્ટનો નિયમ છે. કોર્ટમાં વિવેક જાળવી જવાબ આપો. જ્યારે ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, પોસ્ટલ બેલેટ રિજેક્ટ થયા તે ઇલેક્શન કમિશનની ગાઈડ લાઈન મુજબ થયા હતા. તેમાં બીજું કોઈ કારણ ન હતું. અરજદારના વકીલ તરફથી પૃચ્છા કરાઇ કે, ચૂંટણી દરમ્યાન કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમનો અને માર્ગદર્શિકાઓનું ગંભીર રીતે ઉલ્લંઘન થયુ હતુ તે આપ જાણો છો..જેના પ્રત્યુત્તરમાં ચુડાસમાએ જણાવ્યું કે, એ મને બહુ ખબર નથી કારણ કે, રિટર્નીંગ ઓફિસર તે વધુ સારી રીતે જાણે અને મેં આરઓ સાથે એ વખતે વાત કરી ન હતી. કોંગ્રેસના અરજદાર ઉમેદવાર તરફથી સિનિયર એડવોકેટ પરસી કાવીના અને એડવોકેટ શાર્વિલ પી.મજમુદારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વની ઉલટતપાસ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન કર્યા બાદ તેને કાઢી નાખવાની ચુડાસમાની દાદને હાઇકોર્ટે ફગાવ્યા બાદ અગાઉ શિક્ષણમંત્રીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમકોર્ટમાં કરેલી પિટિશનમાં હાઇકોર્ટની કામગીરી સામે વાંધો ઉઠાવ્યા બાદ આજે હાઈકોર્ટમાં શિક્ષણ અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટની માફી માગી હતી. સાથે સાથે તેમણે હું ગુજરાતીમાં જવાબ આપીશ તેવી કોર્ટમાં રજૂઆત કરી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, મારી ભૂલ બદલ હું દિલગીર છું, તો સામે હાઇકોર્ટે કહ્યું કે, આપ માફી માંગો એ કોર્ટ માટે જરૂરી નથી. દરમ્યાન ભૂપેન્દ્રસિંહને અરજદાર અશ્વિન રાઠોડના વકીલે સવાલ કર્યો હતો કે, હું તમને ઈંગ્લિશમાં સવાલ કરું કે, ગુજરાતીમાં ? ત્યારે ચુડાસમાએ જણાવ્યું કે, હું ગુજરાતીમાં જવાબ આપીશ.
સાથે સાથે કોર્ટ રૂમમાં અરજદારે જમા કરાવેલી સીડીના ફૂટેજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બતાવ્યા હતા અને તેમની પુછપરછ થઈ હતી. જેમાં રાઠોડના વકીલે ચુડાસમાને પૂછ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ઈવીએમમાં તમારા કેટલા મત હતા. જેના જવાબમાં ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, ઈવીએમમાં ૭૧,૫૩૦ મત હતા. જેમાંથી અશ્વિન રાઠોડને ૭૧, ૨૦૩ મત મળ્યા હતા. મારી જીત ખૂબ નાના માર્જિનથી થઈ હતી. લોકો એક મતથી પણ જીતે છે. વકીલે પૂછ્યું કે, હાલ કયા ખાતા સાંભળો છો, જેના જવાબમાં ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, હું હાલ શિક્ષણ, કાયદો અને સંસદીય બાબતો સંભાળુ છું. ચુડાસમાએ કોર્ટમાં માફી માંગતા જણાવ્યું હતું કે, સોગંદનામાંના સવાલ બાદ કોર્ટે કરી ચુડાસમાને ટકોર કરી હતી. ત્યારબાદ ચુડાસણાએ જણાવ્યું કે, સોગંદનામું મારા આસિસ્ટન્ટએ તૈયાર કર્યુ હતું. કોર્ટ-કાયદાની મર્યાદા મારે જાળવવી જોઈએ. આજે હું કોર્ટમાં કાયદામંત્રી તરીકે હાજર રહ્યો નથી. ચુડાસમાની ઉલટતપાસ પૂર્ણ થતાં કેસની વધુ સુનાવણી તા.૧૨મીએ રખાઇ હતી.