ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને લઈને નેતા-તંત્રનું ઉદાસીન વલણ..?!

838
bvn532018-13.jpg

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને લઈને લોકોમાં ભારે અસમંજસતા જોવા મળી રહી છે. ૬ માસ થવા છતાં આ સેવાને જોઈતા પ્રમાણમાં સફળતા ન મળતા લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે.
છેલ્લા ર દસકા કરતા વધુ સમયથી રાજ્યભરમાં ભાવનગરના ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. લોકો આ સેવા શરૂ થવાને લઈને મોટો આશાવાદ સેવી રહ્યાં હતા અને સમગ્ર બાબતને લઈને લોકોમાં ભારે ઉત્કંઠા પણ જોવા મળી રહી હતી. પરંતુ વર્ષ ર૦૧૭ના ઓગષ્ટ માસમાં સમગ્ર પ્રોજેક્ટના અધુરા કામ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કામ ચલાઉ ધોરણે ઘોઘાથી દહેજ વચ્ચે માત્ર પેસેન્જર પરિવહન સેવાનું લોકાર્પણ કર્યુ હતું અને વિધિવધ સેવા શરૂ થઈ હતી પરંતુ થોડા સમય બાદ લીંકસ્પાનના જોડાણ અર્થે ર૩ દિવસ માટે ફેરી સેવા સ્થગિત કરવામાં આવી હતી અને નવા લીંક સ્પાનના જોડાણ થયે ફેરી સર્વિસ પૂર્વવત કરવામાં આવી હતી.અત્રે મુખ્ય વાત એ છે કે જે સેવા ર વર્ષમાં પૂર્ણ કરવાની વાત હતી તેને પ્રોજેક્ટને પૂર્ણ થતા ૬૮ માસ જેેટલો સમય પસાર થયો પરંતુ મુખ્ય મહત્વનો મુદ્દો આજે પણ અધુરો જ છે. લોકો સમક્ષ સરકારે એવા પ્રકારે જાહેરાત કરી હતી કે ઘોઘાથી દહેજ વચ્ચે પ્રવાસીઓ અને લગેજનું સરળતાથી વહન થાય તેવું હેવી વેસલ વસાવી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સમુદ્રી માર્ગે જોડી બન્ને જગ્યાનું અંતર ઘટાડી સૌરાષ્ટ્ર માટે વિકાસના નવા દ્વાર ખોલવામાં આવશે પરંતુ આ બાબત માત્રને માત્ર એક જાહેરાત જ બનીને રહી જવા પામી છે. ગત જાન્યુઆરી માસમાં તંત્રએ જણાવ્યું હતું કે માર્ચ ર૦૧૮ના અંત સુધીમાં હેવી વેસલ શીપ આવ્યે સંપૂર્ણપણે સેવા બહાલ કરી દેવામાં આવશે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પ્રગતિ થવા પામી નથી. લોકો જણાવે છે કે સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો આમ છતાં જાહેરાત મુજબની સેવા તથા નિર્માણકાર્ય પૂર્ણ થયું નથી. પરિવહન દ્રષ્ટિએ ખૂબ અગત્યની ઝડપી અને અસરકારક સેવા વધુને વધુ લોક ગ્રાહ્ય કેમ નથી થઈ રહી તે બાબતોને લઈને અનેક વેધક સવાલો લોકોમાં થઈ રહ્યાં છે.
સમગ્ર યોજના અંગે ભૂતકાળમાં બનેલ બનાવોને લઈને સેવા લોકપ્રિય ન બની હોવાની વાત જાણવા મળી રહી છે. ભૂતકાળમાં યોજના શરૂ થયા બાદ થોડા સમયમાં બાળ મરણ થયું હતું. સમુદ્રી પરિવહન સેવા થકી મુસાફર માત્ર બેથી અઢી કલાકના સમયમાં સુરત સુધી પહોંચી શકે છે. જ્યારે સડક માર્ગે અંતર કાપતા ૧ર કલાક જેવો સમય થાય છે. સરળ, સુરક્ષીત અને લગભગ તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તેવી કિંમતમાં આ સેવાનો જોઈતા પ્રમાણમાં લોકો લાભ કેમ લઈ શક્યા નથી ? ભાવનગર શહેર તથા જિલ્લાભરમાંથી પ્રતિદિન સુરત-મુંબઈ સુધી ૩પ૦થી વધુ ખાનગી-સરકારી બસો દોડે છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં ટ્રાફીક થાય છે પરંતુ ફેરી સર્વિસમાં નહીં. લોકો ૧ર કલાકથી વધુ સમયનો ભોગ આપી સડક માર્ગની જોખમી અને મોંઘી સેવા શા માટે પસંદ કરી રહ્યાં છે ? આ બાબતના મુળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે જે અર્થે મુસાફરથી લઈને અધિકારીગણનો સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી સેવા અંગે અભિપ્રાય લેવામાં આવ્યા હતા.
વિશેષ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાલ જે વ્યક્તિઓ ફેરી સર્વિસનો લાભ લઈ રહી છે તે મોટા ભાગનો વર્ગ એજ્યુકેટેડ વર્ગ છે. કારણ કે ટીકીટ બુકીંગથી લઈને સમગ્ર સેવાની જાણકારી આધુનિક ટેકનોલોજી થકી જ શક્ય છે. ભણેલ-ગણેલ વર્ગ તથા તેમની સાથે સંકળાયેલ વર્ગ સેવાનો લાભ લે છે. જ્યારે અશિક્ષિત વર્ગ પાસ ટીકીટનું બુકીંગ કઈ રીતે થાય તે બાબત પણ જાણતા નથી. ભાવનગર શહેરમાં એક પણ સ્થળ પર લોકો સરળતાપૂર્વક બુકીંગ લઈ શકે માહિતી મેળવી શકે એવું કેન્દ્ર નથી. સરકારે નિર્માણ પાછળ કરોડોનો ખર્ચ ચોક્કસ કર્યો પરંતુ આમ આદમી મુસાફરી કરી શકે તેવી જાહેરાત કે માધ્યમ દર્શાવ્યું નથી. આથી સરકાર તથા તંત્ર લોકો મહત્તમ લાભ લઈ શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. મુસાફરોના પરિવહન સાથોસાથ ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે તેઓ પણ ફેરી સર્વિસ સેવાનો મહત્તમ લાભ લે તેવી હિમાયત કરવી જોઈએ અને હકિકત ભાવનગરથી સુરત જવા માટે જ લોકોનો ધસારો વધુ હોય આથી વહેલી તકે ઘોઘાથી હજીરા ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે.

તંત્ર અને સ્વયંસેવી સંસ્થા લોકોને જાગૃત કરે
સમગ્ર એશિયાનો સૌથી મોટો અને ખર્ચાળ પ્રોજેકટ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ શરૂ થયાના ૬ માસ બાદ પણ લોકપ્રિય સેવા નથી બની તે ખરેખર દુઃખદ બાબત ગણી શકાય. કેન્દ્ર સરકારે ભાવનગરના સર્વાગી વિકાસ અર્થે મહત્વપૂર્ણ અને કાબીલેદાદ કદમ ઉઠાવ્યું છે પરંતુ ભાવનગરના લોકો ટ્રેન, બસ અને હવાઈ સેવા વધુ પસંદ કરી રહ્યાં છે તો સમુદ્રી પ્રવાસને શા માટે અવગણે છે ? મધ્યમ વર્ગનો માણસ પરિવાર સાથે જિલ્લાના કોઈપણ પર્યટન સ્થળે હરવા ફરવા જાય તો એક વ્યક્તિ દીઠ સરેરાશ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા જેવો ખર્ચ કરે છે પરંતુ માત્ર ૭૦૦ રૂપિયામાં ભાવનગરથી સુરત સુધી નવી અને રોમાંચક પરિવહન સેવા લેતા શા માટે ખચકાઈ રહ્યાં છે ? બસમાં ૧ર કલાકની સફર, સરેરાશ ૮૦૦ રૂપિયા જેવો ખર્ચ અને જોખમ નફામાં તેમ છતાં બસ દ્વારા મુસાફરી શા માટે ? ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ અંગે જવાબદાર તંત્ર તથા શહેરની સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા લોકોને જાગૃત કરવા અનિવાર્ય છે. સરકાર પ્રસાર માધ્યમોમાં મહિને લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરે છે તો આ સેવાની જાહેરાત માટે પણ કરવો જોઈએ.
– પ્રતિપાલસિંહ જાડેજા, અગ્રણી વેપારી, ભાવનગર

Previous articleશહેરમાં સંપુર્ણ સુવિધાથી સજજ ‘આયુષ પ્લાઝા’નું ભુમિપુજન કરાયું
Next articleગુસ્તાખી માફ