ભારતીય મેન્સ હોકી ટીમ ઓલિમ્પિક ક્વોલિફાયરમાં રશિયા સામે ટકરાશે. જ્યારે મહિલા ટીમનો મુકાબલો અમેરિકા સામે થશે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને સોમવારે ઓલિમ્પિક ક્વોલિફાયરનો ડ્રો બહાર પાડ્યો. ભારતીય મેન્સ ટીમનું રેન્કિંગ ૫મું છે, જ્યારે રશિયાનું ૨૨મું છે અને મહિલા ટીમનું રેન્કિંગ ૯ છે તથા અમેરિકાનું ૨૩મું છે. મેન્સ ટીમ ૧-૨ નવેમ્બરે જ્યારે મહિલા ટીમ ૨-૩ નવેમ્બરે ભુવનેશ્વરમાં બે-બે મેચ રમશે. બંને મેચની વિજેતા ટીમને ઓલિમ્પિકની ટિકિટ મળશે.
૮ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમે આ વર્ષે વર્લ્ડ સીરિઝની ફાઇનલમાં રશિયાને ૧૦-૦થી પરાજય આપ્યો હતો. જ્યારે મહિલા ટીમને થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. ગત વર્ષે વર્લ્ડ કપમાં ભારત અને અમેરિકાની મેચ ૧-૧થી ડ્રો રહી હતી. ભારતીય મેન્સ ટીમના કોચ ગ્રાહમ રીડને ઓલિમ્પિકમાં સ્થાન મળવાની આશા છે. તેમણે કહ્યું કેમ્પમાં અમે સતત ડિફેન્સ પર ફોકસ કરી રહ્યા છીએ. જ્યારે ભારતીય મહિલા ટીમ ક્વોલિફાયર પહેલાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની એક શ્રેણી પણ રમશે. કેપ્ટન રાની રામપાલે કહ્યું કે અમે હરીફ ટીમ માટે વિચારી રહ્યા નથી. અમે સારું પ્રદર્શન જાળવી રાખવા માગીશું.