સુરતની વિશ્વભરમાં જાણીતી ડાયમંડ કંપની હરિક્રિષ્ણા એક્સપોર્ટના મેનેજિંગ ડિરેકટર ઘનશ્યામ ધોળકીયાએ કહ્યું હતું કે અમારું માનવું છે કે કારીગરોની નોકરી જાય તેના કરતા બોનસ નહીં આપીને તેની નોકરી જાળવી રાખવી વધારે જરૂરી છે.મંદીની અસર તમામ કંપનીઓ પર એક સમાન છે. અમારા જેવી મોટી કંપની પણ તેમાંથી બાકાત નથી.
સામાન્ય સંજોગોમાં અમે અમારા ૭,૦૦૦ કારીગરોને કાર, મકાન કે અન્ય સ્વરૂપે બોનસ આપતા આવ્યા છીએ પરંતુ વર્તમાન સંજોગો જોતા આ વર્ષે દિવાળી પર બોનસ આપવું અશક્ય જણાઈ રહ્યું છે. અન્ય ઉદ્યોગોમાં જે રીતે લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે તેની સામે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હજુ સુધી કોઈ મોટી ઘટના બની નથી. અમે અમારા કારીગરોને છુટા કરવાના બદલે તેમને સાથે રાખવાનું પસંદ કર્યું છે અને એટલે જ આ વર્ષે બોનસ નહી આપવાનો નિર્ણય કર્યો છે. વર્કર્સ માટે દિવાળી બોનસ કરતા તેમાંની નોકરી વધારે અગત્યની છે.