ગણેશ ઉત્સવની ચારે તરફ ધૂમ છે ત્યારે અલથાણ ખાતે સ્થાપિત કરવામાં આવેલા “માનતા કા રાજા” ભક્તોમાં વિશેષ આકર્ષણરૂપ બનવા સાથે આસ્થાનું સ્થાન બની રહ્યા છે.
કાનમાં પોતાના મનની ઈચ્છા બોલવાથી અહીંના ગણેશજી ઈચ્છાપૂણઁ કરે એવી લોકોની આસ્થા બંધાઈ છે. ત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન મંડળ દ્વારા સેંકડો ભક્તોની સાથે મળી સુરતમાં બનેલી દુઃખદ ઘટના તક્ષશિલા આર્કેડના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. તમામે મીણબત્તી પ્રગટાવી મૃતકોની આત્માને શાંતિ અર્પે એવી શ્રીજી ચરણે પ્રાર્થના કરી હતી.
આ અંગે માહિતી આપતા સાંઈરામ યુવક મંડળના કમલભાઈ મેવાવાલાએ જણાવ્યું હતું કે ૨૪ વર્ષ પહેલા સાઈરામ યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કર્યા બાદ લાખો લોકોની ઈચ્છા અહીં પૂર્ણ થઇ છે. અહીં આવનાર ભક્તો અપેક્ષા સાથે આવે છે અને ઈચ્છાપૂર્ણ થયાના ભાવ સાથે પરત ફરે છે. ભક્તો ઈચ્છાપૂર્ણ થવા માટે મંગલમૂર્તિની બાધા મૂકે છે. ગણેશ ઉત્સવ દરમિયાન અહીં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે અને મંગલમૂર્તિઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે.