ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ અતિભારે વરસાદ જારી રહ્યો છે. ભારે વરસાદ અને પુરના કારણે અડધાથી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મધ્યપ્રદેશના ૨૮ બંધ પૈકી ૨૧ બંધના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ખાંડવા જિલ્લામાં સ્થિત પ્રદેશના સૌથી મોટા બંધ ઇન્દિરા સાગર અને જબલપુર જિલ્લામાં સ્થિત બરંગી બંધમાં દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદી પર બનાવવામાં આવેલા ઇન્દિરા સાગર બંધના ૨૦ પૈકી ૧૨ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. બીજી બાજુ નર્મદા ઉપર જ બનાવવામાં આવેલા બરગીમાં ૨૧ પૈકી ૧૭ ગેટ ખોલી દેવામાં આવ્યા છે. ભારે વરસાદની સાથે સાથે બંધમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ પુરની સ્થિતિ વિકરાળ બની ગઈ છે. ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. પૂર્વીય મધ્યપ્રદેશમાં મોનસુન સક્રિય અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં મોનસુન પ્રબળ સ્થિતિમાં છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પુરના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. પાટનગર ભોપાલમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ છે. વર્ષ ૨૦૧૬ બાદ પ્રથમ વખત કોલાર ડેમના દરવાજા ખોલી દેવાની ફરજ પડી રહી છે.
રાજ્યના કુલ ૩૨ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હરદામાં ભારે વરસાદના કારણે કેદીઓ પણ મુશ્કેલમાં મુકાઇ ગયા છે. કોલાર ક્ષેત્રમાં ૨૦ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હરદા જિલ્લામાં જેલમાં પણ પાણી ઘુસી ગયા છે જેથી કેદીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે. મંડલામાં નર્મદા નદી ભયજનક નિશાનથી ચાર ફુટ ઉપર પહોંચી ગઈ છે. સતત ભારે વરસાદના લીધે ભોપાલમાં સ્કુલ અને કોલેજોને બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ પરીક્ષાઓને પણ મોકૂફ કરવામાં આવી છે. તમામ સરકારી, ખાનગી, સીબીએસઈ અને અન્ય સ્કુલો બંધ રાખવામાં આવી રહી છે. ઇટારસીના રાજકીય રેલવે પોલીસના કહેવા મુજબ પાંચ આરોપી રવિવારના દિવસે પાણીમાં ડુબી ગયા બાદ તેમને પહેલા માળ ઉપર લઇ જવામાં આવ્યા હતા. કસ્ટડીમાં રાખવામાં આવેલા આરોપીઓ પાણીમાં ડુબી જતાં તેમને તરત જ ઉપર ખસેડવામાં આવ્યા હતા. ૩૨ જિલ્લામાં ભારે વરસાદ માટે એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જેલમાં પાણી ઘુસી ગયા બાદ વિવિધ પગલા લેવાઇ રહ્યા છે.