ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક દંડની રકમ ૫૦ ટકા ઘટાડી

493

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને નવા ટ્રાફિક નિયમો, જોગવાઇઓ અને આકરા દંડને લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતમાં આટલા આકરા દંડ અને જોગવાઇઓને લઇ આમજનતામાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠતાં રાજય સરકારે વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ, આરટીઓ અને ટ્રાફિક સત્તાધીશો સહિતના સંબંધિત સત્તાવાળાઓ સાથે બેઠક યોજી તેમ જ આ સમગ્ર મામલે હાઇપાવર કમીટી મારફતે સમીક્ષા કરી નવા કાયદાની ૫૦ જેટલી કલમોમાં નોંધનીય ફેરફાર કર્યો હતો અને ખાસ કરીને ટ્રાફિક કે વાહન સંબંધી અપરાધ કે ગુનામાં દંડની આકરી રકમમાં થોડો ઘટાડો કરી પ્રજાજનોને આંશિક રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. નવા ઘટાડેલા દંડના દરો સાથે આગામી તા.૧૬ સપ્ટેમ્બરથી સમગ્ર ગુજરાત રાજયમાં આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે એ મતલબની જાહેરાત આજે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કરી હતી. જો કે, સરકાર દ્વારા દંડની આ ઘટાડેલી રકમ પણ વધુ પડતી હોવાથી લોકોમાં ખાસ કરીને સામાન્ય નાગરિકોમાં દંડની રકમને લઇ આક્રોશ અને ભારોભાર નારાજગી જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની ૫૦ કલમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. રાજય સરકારને આકરા દંડની વસૂલાતમાં નહી પરંતુ નાગરિકોની સુરક્ષા અને સલામતીમાં રસ છે. સરકારે આમજનતાની મુશ્કેલી આ અને આર્થિક બોજાની સ્થિતિને ધ્યાનમાં લઇ વધુ પડતી આકરી રકમમાં ઘટાડો કરી વાજબી રકમ નક્કી કરી નાગરિકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે દંડની રકમમાં ડિજિટલ પેમેન્ટ માન્ય ગણાશે તો, વાહનચાલક દ્વારા ડિજિટલ સ્વરૂપે દસ્તાવેજ રજૂ કરાય તો તે પણ માન્ય રહેશે. એટલું જ નહી, વાહનચાલક પાસે તાત્કાલિક દસ્તાવેજો ના હોય તો તે રજૂ કરવા માટે તેને પંદર દિવસનો સમય મળશે. આ સમયમર્યાદામાં તે ઓથોરીટી સમક્ષ પોતાના દસ્તાવેજો રજૂ કરી શકશે. હાઇપાવર કમીટીએ મોટર વ્હીકલ એકટના અમેન્ડમેન્ટની પ્રત્યેક કલમની વિસ્તૃત છણાવટ કરી હતી અને ત્યારબાદ આ નવા સુધારેલા દર નક્કી કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ એ સ્પષ્ટ કર્યું હતું કે, સરકારે ટુ વ્હીલર માટે માનવીય અભિગમ અને ટ્રેકટર અને કૃષિલક્ષી ખેડૂત કલ્યાણ લક્ષી અભિગમ અપનાવ્યો છે પરંતુ સામાન્ય માણસને અસર કરતા હોય તેવા અને ખાસ કરીને નિર્દોષ લોકો જીવન ગુમાવેે તેવા ગંભીર કિસ્સામાં કોઇપણ પ્રકારની રાહત કે છૂટછાટ અપાઇ નથી.

પૂરઝડપે બાઇક-વાહનો ચલાવવા કે ભયનજક રીતે વાહનો હંકારવા સહિતના અપરાધમાં કોઇ રાહત અપાઇ નથી. ગુજરાતમાં ૨૦ હજારથી વધુ અકસ્માતો થાય છે. નિર્દોષ પરિવારો વેરવિખેર થઇ જાય છે. લોકોની સલામતી માટે સરકાર આ નિયમોની અમલવારી કરી રહી છે. ડિજિટલ સ્વરૂપે દસ્તાવેજો માન્ય રહેશે. જે જોગવાઇઓમાં રાજય સરકારને સત્તા બક્ષાયેલી તેમાં જ આ સુધારા અને રાહતની રકમ લાગુ કરાઇ છે, જયારે જે કિસ્સામાં રાજય સરકારને સત્તા નથી અને જે કોર્ટને આધીન સત્તા છે.

 

Previous articleવિક્રમ લેન્ડરથી હજુ સુધી કોઇપણ સંપર્ક થયો નથી
Next articleવરસાદથી તૂટેલા માર્ગોની મરામત માટે મહાનગરોને રૂ. ૨૧૬ કરોડ ફાળવાશે