કલોલ હાઈવે પર ગત રોજ સાંજના સુમારે વાહનો કતાર બંધ પસાર થઈ રહયા હતા ત્યારે અંબિકાનગર પાસે રસ્તા વચ્ચે એકાએક ગાય આવી ચડી હતી ગાયને બચાવવા કાર ચાલકે બ્રેક મારતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી એક બાદ એક એમ આઠ કારો ધડાકાભેર એકબીજા સાથે ટકરાઈ હતી. એક સાથે આઠ કારો વચ્ચે અકસ્માત થતા હાઈવે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ હાઈવે પર અડીંગો જમાવી બેસતા ઢોરોને કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. જેમા વાહન પલ્ટી ખાઈ જવાથી લઈ ગંભીર અકસ્માતોમાં લોકોના ઘાયલ થવાના અસંખ્ય બનાવો બન્યા છે. તેમ છતાં લાગતા વળગતા તંત્ર ધ્વારા હાઈવે પર રખડતા ઢોર બાબતે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ના આવતા અકસ્માતોનો સીલસીલો હાલમાં પણ યથાવત રહયો છે. જેમા ગત રોજ સાંજના સુમારે રખડતા ઢોરને કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમા અંબિકાનગર હાઈવે પર નિયમીત ટ્રાફીક ચાલી રહયો હતો ત્યારે રસ્તા વચ્ચે એકાએક ગાય આવી ચડી હતી પુરપાટ જતા કાર ચાલકે ગાયને જોઈ પોતાની કારની જોરદાર બ્રેક મારી હતી ત્યારે તેની પાછળ પવનવેગે આવતી કારો એકબીજા સાથે ધડાકાભેર ટકરાઈ હતી.
એક બાદ એક આઠ કારો ધડાકાભેર એકબીજા સાથે ટકરાતા હાઈવે પરનો ટ્રાફીક રોકાઈ ગયો હતો આસપાસના લોકો પણ અકસ્માત સ્થળે દોડી જતા હાઈવે પર ચકકાજામ થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે પર રખડતા ઢોરોને કારણે થતા અકસ્માતો અટકાવવા વર્ષોથી હાઈવેની બંને તરફ રેલીંગ નાંખવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમ છતાં તંત્ર ધ્વારા રેલીંગ નાંખવાની કામગીરી કરવામાં નહી આવતા અત્રે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહયા છે. ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય કે કોઈ મોટી જાન હાની થાય તે પહેલા તંત્ર ધ્વારા હાઈવેની બંને તરફ રેલીગ લગાવવામાં આવે તેવી પ્રચંડ માંગણી ઉઠવા પામી છે.