કરબલાના મહાન શહિદ હઝરત ઈમામ હુસેન (રહી) અને એમના વફાદાર સાથીદારોની યાદમાં દર વર્ષે નિકળતા તાજિયા ઝુલુસ આજે ધંધુકા શહેરમાંથી હાથીઝરી, મારૂવાડા, મોહનવાડા, દેસાઈ વાડા અને સરકારી મેરી સહિત પાંચ જગ્યાએથી તાજિયા નિકળીને યા હુસેન ના નારા સાથે ઝુલુસને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું. જેમાં બાળકો, વૃધધો અને યુવાનો નારાઓ સાથે ઈસ્લામિક બેનરો અને ઢોલ-નગારા સાથે આ જશ્નની યાદગાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત તાલુકાના બાજરડા, રોજકા અને પડાણા ખાતે પણ મહોર્રમની યાદમાં તાજિયા ઝુલુસ ગામની અંદર ફેરવીને તેની આન-બાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. મહોર્રમ શરીફના મહિનામાં આશુરાનો દિવસ સૌથી શ્રેષ્ઠ હોવાથી મુસ્લિમ બિરદરો દ્વારા ફઝરની નમાઝ બાદ આશુરાની ખાસ દુઆઓ પઢવામાં આવી હતી. તેમજ રોજા રાખીને કુર્આન ખ્વાની અને તકરીરનો જલ્સો રાખીને કરબલાના શહિદોને સવાબ અર્થે ખાસ પ્રોગ્રામ રાખીને નફલ નમાઝો અદા કરવામાં આવી હતી. આ સમગ્ર તહેવાર શાંતિ અને ભાઈચારાથી સંપન્ન થાય તે માટે ધંધુકા પી.આઈ. દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.