બનાસકાંઠામાં કેટલાંક તાલુકામાં આવેલા વિનાશક પુરના સાત મહિના વીતી જવા છતાં અસરગ્રસ્તોને પાક વીમા યોજના અંતર્ગત ચુકવણુ ન થતાં, ખેડૂતોમાં હતાશાનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠામાં પૂરમાં મોટાપાયે ખરીફ પાકનું ધોવાણ થયું હતું. જેમાં ખાનગી વીમા કંપની દ્વારા આખરીકરણની કાર્યવાહી કરવામાં આવી હતી.
જે અંગે ગાંધીનગરમાં વિધાનસભામાં બનાસકાંઠાના ધારાસભ્ય મહેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠામાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ચૂકવણી નહિ થતાં ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. ૭ મહિના બાદ પણ ચૂકવણી કરવામાં ન આવતા ખેડૂતોમાં હતાશા જોવા મળી રહી છે. સરકાર દ્વારા આ મુદ્દે તાકિદે ઘટતું કરવામાં આવે તેવી રજૂઆત મહેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જો કે આ મામલે નીતિન પટેલે જવાબ આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે બનાસકાંઠામાં પૂરના સમયે જ સહાયની ચુકવણી કરી દેવામાં આવી છે.