સોનમ કપૂર સોશિયલ ઇશ્યૂઝ પર નિખાલસતાથી પોતાના ઓપિનિયન્સ આપવા માટે જાણીતી છે. તેણે અમારી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની કરિઅરની શરૂઆત કરી હતી ત્યારે અનેક એક્ટ્રેસીસ ફેમિનીઝમનો અર્થ નહોતી સમજતી. સોનમે નારીવાદનો યોગ્ય અર્થ સમજાવતાં કહ્યું હતું કે, ફેમિનિઝમનો અર્થ બ્રા સળગાવીને મૂછો વધારવાનો નથી.
સોનમ કહે છે કે, ‘૧૨ વર્ષ પહેલાં કોઈએ મને સવાલ કર્યો હતો કે, શું તમે ફેમિનિસ્ટ છો ત્યારે એના જવાબમાં મેં કહ્યું હતું કે, ‘જી, હા, હું ફેમિનિસ્ટ છું.’ મારી આ વાત સાંભળીને મારી પીઆર ટીમે મને કહ્યું હતું કે, મારું આમ કહેવું યોગ્ય નથી. આજે તો દરેક જણ પોતે ફેમિનિસ્ટ હોવાનું કહે છે. ૧૨થી ૧૫ વર્ષ પહેલાં કોઈ પણ એક્ટ્રેસ પોતે ફેમિનિસ્ટ હોવાનું કહેતા સંકોચ કરતી હતી. તે કહે છે કે, ‘ફેમિનિસ્ટના યોગ્ય અર્થની જાણ હોવી જોઈએ. ફેમિનિઝમનો એ અર્થ નથી કે, તમે પોતાની બ્રા સળગાવીને મૂછો વધારી લો. અનેક એક્ટ્રેસીસ ફેમિનિઝમનો અર્થ સમજતી નહોતી. હવે સમયની સાથે બધાને આ વાત સમજાઈ ગઈ છે. સમાજમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સાથે અનેક રીતે ભેદભાવ કરવામાં આવે છે. આશા છે કે, આગામી સમયમાં આ મામલે પરિવર્તન જોવા મળશે. અનેક લોકો પુરુષો અને સ્ત્રીઓની વચ્ચે રહેલી અસમાનતાને દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે.’