ક્રિસ ગેલ હાલ સીપીએલ એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. જ્યાં મંગળવારે જમૈકા થલાવાજ અને સેંટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટસ વચ્ચે મેચ રમાઈ હતી. જમૈકા થલાવાજ તરફથી રમતા ક્રિસ ગેલે શાનદાર બેટિંગ કરી હતી અને વિરોધી ટીમના બોલરની જોરદાર ધોલાઈ કરી હતી. ગેલે માત્ર ૬૨ બોલમાં ૧૧૬ રન ફટકાર્યા હતા. આ મેચમાં ૩૭ છગ્ગાઓનો રેકોર્ડ પણ બન્યો હતો. મેચમાં ધમાકેદાર બેટિંગ થતા લીગમાં એક જ દિવસમાં બે વાર સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પણ તૂટ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ જમૈકા થલાવાજે મેચમાં પહેલા બેટિંગ કરી ૨૦ ઓવરમાં ૨૪૧ રન બનાવ્યા હતા. જેમાં ક્રિસ ગેલે ૧૧૬ રન બનાવ્યા હતા. ઉપરાંત ચાડવિક વોલ્ટને પણ ૩૬ બોલમાં ૭૩ રનની શાનદારી ઇનિંગ રમી હતી. ગેલે બેટિંગ દરમિયાન ૭ ચોગ્ગા અને ૧૦ છગ્ગા ફટકાર્યા હતા. જોકે જમૈકાના વિશાળ સ્કોરનો પીછો કરવા મૈદાન પર ઉતરેલી ટીમ સેંટ કિટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયોટ્સે માત્ર ૧૮.૫ ઓવરમાં છ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો. સેંટ કિટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયોટ્સ તરફથી ડેવોન થોમસે ૪૦ બોલમાં ૭૧ રન અને એવિન લુઈસે માત્ર ૧૮ બોલમાં ૫૩ રનની ધમાકેદાર બેટિંગ કરી હતી.
આ સિવાય લોઉરી ઇવાંસે ૨૦ બોલમાં ૪૦ અને ફેબિયન એલને ૧૫ બોલમાં ૩૭ રન ફટકાર્યા હતા. જમૈકા થલાવાજે તેની બેટિંગ દરમિયાન ૨૧ છગ્ગા જ્યારે સેંટ કિટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયોટ્સે બેટિંગ દરમિયાન ૧૬ છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે સંપૂર્ણ મેચમાં કુલ ૩૭ છગ્ગાનો રેકોર્ડ બન્યો હતો.