શેરબજારમાં લેવાલી : સેંસેક્સ વધુ ૧૨૫ પોઈન્ટ સુધી સુધાર્યો

329

શેરબજારમાં આજે રેંજ આધારિત કારોબાર થયો હતો. જાહેર ક્ષેત્રની બેંકો અને મેટલના શેરમાં લેવાલી જામી હતી. જેના કારણે શેરબજારમાં તેજી રહી હતી. આજે સતત ત્રીજા કારોબારી સત્રમાં તેજી જારી રહી હતી. લેવાલીના માહોલ અને નવી આશા વચ્ચે બીએસઇ સેંસેક્સ ૧૨૫ પોઇન્ટ સુધરીને ૩૭૨૭૧ની ઉંચી સપાટી પર રહ્યો હતો. યશ બેંકના શેરમાં ૧૩ ટકા સુધીનો વધારો થયો હતો. આવી જ રીતે તાતા મોટરના શેરમાં ૧૦ ટકા અને મારૂતિ સુઝુકી ઇન્ડિયાના શેરમાં ચાર ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. વેદાન્તાના શેરમાં ત્રણ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. સેંસેક્સમાં આજે દિવસ દરમિયાન તેજી રહી હતી. બીએસઇમાં ૧૮૪૫ શેરમાં તેજી જામી હતી અને ૭૭૭ શેરમાં મંદી રહી હતી. ૧૫૩ શેરની સ્થિતીમાં કોઇ ફેરફાર જોવા મળ્યા ન હતા. એનએસઇમાં નિફ્ટી ઇન્ડેક્સ ૩૩ પોઇન્ટ સુધરીને ૧૧૦૩૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. નિફ્ટી સેક્ટર ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં ચાર ટકાનો અને નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ત્રણ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં એક ટકા સુધીનો ઘટાડો થયો હતો. બ્રોડર માર્કેટમાં બીએશઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૪૦ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી ૧૩૬૩૫ રહી હતી. જ્યારે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૧૮૨ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી ૧૨૮૯૨ રહી હતી. વૈશ્વિક શેર બજારમાં આજે સતત છઠ્ઠા કારોબારી સેશનમાં તેજી રહી હતી.સ્ટીમ્યુલસ પેકેજને લઇને કારોબારીઓ આશાવાદી છે. શેરબજારમાં હાલમાં જાહેર કરવામાં આવેલા જુદા જુદા સરકારી પગલાઓની અસર જોવા મળી રહી છે. એકબાજુ બેંકોની સ્થિતિને મજબૂત કરવા ૧૦ બેંકોને ચાર બેંકોમાં મર્જ કરી દેવામાં આવી છે. જંગી નાણાં પણ બેંકિંગ ક્ષેત્ર માટે ઠાલવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓટો સેક્ટર માટે પણ રાહતો જાહેર કરાઈ છે.રોકાણકારો હાલમાં ઉદાસીન વલણ દર્શાવી રહ્યા છે.આર્થિક સુસ્તીને દૂર કરવા માટે મોદી સરકાર દ્વારા શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવી હોવા છતાં વિદેશી મૂડીરોકાણકારો દ્વારા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી રોકાણકારોએ ૧૨૬૩ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે.સરકારે એફપીઆઈ ઉપર વધારવામાં આવેલા સરચાર્જને પરત ખેંચી લીધો હોવા છતાં વિદેશી રોકાણકારો વેચવાલીના મૂડમાં રહ્યા છે. ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં એફપીઆઈ દ્વારા ઇક્વીટીમાંથી ૪૨૬૩.૬૯ કરોડ રૂપિયા પાછા ખેેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૩૦૦૦.૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જેથી આ ગાળા દરમિયાન રોકાણનો આંકડો ૧૨૬૨.૯૩ કરોડ રૂપિયાનો રહ્યો છે. શેરબજારમાં રિકવરી યથાવત જારી રહી છે.

Previous articleનાના ઉદ્યોગકારોને રાહત મળશેઃ રિટર્ન ફાઇલ પ્રક્રિયામાં વધુ સરળ વિકલ્પ અપાશે
Next articleદિલ્હીમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસે રૂ. ૧.૪૧ લાખનો મેમો આપ્યો!