દિલ્હીમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસે રૂ. ૧.૪૧ લાખનો મેમો આપ્યો!

365

નવો મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૯ લાગુ થયા બાદ દરરોજ મેમો ફાડવાના અલગ અલગ બનાવો સામે આવી રહ્યા છે. અનેક લોકો ભારે દંડનો વિરોધ કરી રહ્યા છે તો અમુક લોકોએ તો ભારે દંડ બાદ પોતાના વાહનને જ આગ લગાડી દીધી હતી. મેમોની રકમ પણ ખૂબ ચર્ચામાં છે. આ બધાની વચ્ચે દિલ્હીમાં સૌથી વધારે રકમનો મેમો ફાડવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની રોહિણી કોર્ટમાં રૂ. ૧,૪૧,૭૦૦નો મેમો ફાટ્યો છે. રાજસ્થાનના એક ટ્રક માલિકે દિલ્હીની રોહિણી કોર્ટમાં દંડની તમામ રકમ ભરી દીધી છે. ટ્રક માલિક રાજસ્થાનના બીકાનેરનો રહેવાશી છે. દિલ્હીમાં પાંચમી સપ્ટેમ્બરના રોજ ઓવરલોડિંગને કારણે ટ્રકનો રૂ. ૭૦ હજારનો મેમો ફાટ્યો હતો. જ્યારે ટ્રક પર વધારે માલ ચડાવવા બદલ ટ્રક માલિકને પણ રૂ. ૭૦ હજારનો મેમો આપવામાં આવ્યો હતો. ટ્ર્‌ક માલિકના કહેવા પ્રમાણે બે મેમો ઉપરાંત તેને રૂ. ૧૭૦૦નો વધારાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. આવી રીતે ટ્રક માલિકને કુલ રૂ. ૧,૪૧,૭૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રક માલિકે મેમો મળ્યાના દિવસે જ દિલ્હીની રોહિણી કોર્ટમાં આ રકમ ચુકવી દીધી હતી. નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દરરોજ વિચિત્ર કેસો સામે આવી રહ્યા છે. અત્યારસુધી કોઈને રૂ. ૧૫ હજાર તો કોઈને રૂ. ૨૫ હજારનો મેમો મળ્યો હતો. ત્યાં સુધી કે રૂ. ૬૦ હજારનો મેમો પણ ફાટ્યો હતો. પરંતુ દિલ્હીમાં તો મેમોની રકમે તમામ રેકોર્ડને તોડી નાખ્યા હતા.

Previous articleશેરબજારમાં લેવાલી : સેંસેક્સ વધુ ૧૨૫ પોઈન્ટ સુધી સુધાર્યો
Next articleચંદ્રયાન-૨નું ઓર્બિટર ચંદ્રની ચારે તરફ ૭ વર્ષ સુધી ચક્કર લગાવી શકે