બનાસરાંઠામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધાનેરાની ડી.બી હાઇસ્કૂલમાં ધોરણ ૧૦માં નાપાસ વિદ્યાર્થિનીને ધોરણ ૧૧માં દાખલો આપી દીધો હતો. આ વિદ્યાર્થિનીએ ૪ મહિના અભ્યાસ પણ કર્યો છે. જે પછી શિષ્યવૃત્તિનું ફોર્મ ભરતી વખતે શાળાને જાણ થઇ કે આ વિદ્યાર્થિની તો ધોરણ ૧૦માં નાપાસ છે. શાળની આટલી મોટી બેદરકારી સામે આવ્યા બાદ આચાર્યે કેમેરા સામે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો.આ અંગે મળતી માહિતી પ્રમાણે ધાનેરાની ડી.બી પારેખ હાઇસ્કૂલે ધોરણ ૧૦ નપાસ વિદ્યાર્થિનીને ધોરણ ૧૧માં દાખલો આપી દીધો હતો. આ વાતની જાણ તેમને શાળા ચાલુ થયાનાં ૪ મહિના પછી થઇ છે. ત્યાં સુધી આ વિદ્યાર્થીની ત્યાં જ ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી. ધોરણ ૧૧માં શિષ્યવૃત્તિ ફોર્મ ભરતી વખતે આટલી મસમોટી ભૂલ સામે આવી છે.
આ અંગે જ્યારે વિદ્યાર્થિની પાયલ સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, ’હું ધોરણ ૧૦માં નપાસ થઇ છું તો પણ મને ધોરણ ૧૧માં દાખલો આપી દીધો હતો. હું જ્યારે શિષ્યવૃત્તિની ફોર્મ ભરવા ગઇ ત્યારે સાહેબે મને કાઢી મુકી. મને શાળામાં આવવાની ના પાડી અને આચાર્યએ આ અંગે કોઇને પણ કહેવાની પણ ના પાડી હતી.’