વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.પી.કહારે શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ દિલીપસિંહ કિશોરસિંહ રાવ અને કોન્સ્ટેબલ નિતીન ઘનશ્યામભાઇ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી. એક કંપનીના એકાઉન્ટ મેનેજરે કંપનીનો માલ સગેવગે કરી નાણાંની ઉચાપતની અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં થઇ હતી. પીઆઇ રાવે આ અરજીનું સમાધાન કરાવ્યું હતું અને સમાધાન પેટે ૧ લાખ રૂપિયા માંગ્યા હતા, જેથી અરજદારે ગત ૪ એપ્રીલના રોજ પીઆઇ રાવને ૧ લાખ પૈકી ૩૦ હજાર રુપીયા આપ્યા હતા. આ જ અરજીની તપાસ કોન્સ્ટેબલ નિતીન પ્રજાપતિ કરતો હતો અને તેણે પણ મારું કાઇ સમજજો તેમ જણાવી ૫ હજાર લીધા હતા. પીઆઇ રાવે ત્યારબાદ સતત ૭૦ હજારની માંગ ચાલુ રાખી હતી.
ત્યારબાદ કંપનીના અરજદારના મિત્રએ આ મામલે એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ પુરાવાના આધારે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પીઆઇ ડી.કે. રાવે વડોદરા સેસન્સ કોર્ટથી લઇને હાઇકોર્ટ સુધી આગોતરા જામીન મેળવવાના પ્રયાસો કર્યાં હતા. પરંતુ પીઆઇને જામીન મળ્યા ન હતા. છેવટે પોલીસે ડી.કે. રાવની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં હતા.