રાજકોટ શહેરના ત્રમ્બા ગામ નજીક શરૂ થયેલી આર્ષ મહાવિદ્યાલય શાળાએ વાલીઓ પાસેથી ફી ઉઘરાવી અને રિફંડ ન આપતાં આજે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. શાળાએ ફી ઉઘરાવ્યા બાદ પાટિયાં પાડી દેતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. શાળા એક વર્ષથી બંધ થઈ હોવા છતાં ફી પરત ન મળતાં ૧૨૧ વાલીઓએ શાળાએ છેત્તરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો છે.
વાલીઓનો આક્ષેપ છે કે શાળાએ રિફંડેબલ ફીના નામે પૈસા ઉઘરાવી અને પૈસા પરત ન આપતાં હોબાળો મચ્યો છે. વાલીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું કે ’ શાળાના ટ્રસ્ટીએ રૂપિયા બે કરોડ રૂપિયાની છેત્તરપિંડી કરી છે. ૧૨૧ વાલીઓની ૮૫૦૦૦ રૂપિયાથી લઈને ૨ લાખ સુધી ફી લઈને પરત આપી નથી.’
વાલીઓએ જણાવ્યું કે આ મુદ્દે તેમણે આજી ડેમ પોલીસ મધ્યસ્થી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે અમે તમારી ફી પરત અપાવી દઈશું પરંતુ હજુ સુધી નિવેડો નથી આવ્યો. ટ્રસ્ટીઓએ ચેક આપ્યા હોવા છતાં ખાતામાં પૈસા જમા કરાવ્યા નથી.
રોજકોટ શહેરની ભાગોળે ત્રમ્બા ગામે આવેલી આર્ષ મહાવિદ્યાલયે ડિપોઝિટના નામે વાલીઓ પાસેથી ફી ઉઘરાવી હતી. વાલીઓના જણાવ્યા મુજબ આ ફી શાળા છોડવાના સમયે ૯૦ દિવસમાં પરત આપવાની શરત હતી. જોકે, છેલ્લા એક વર્ષથી શાળા બંધ છે. ટ્રસ્ટીઓને અવારનવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી. વાલીઓએ આ મુદ્દે રાજકોટના પોલીસ કમિશનરને રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું સમાધન આવ્યું નથી. શાળાના ટ્રસ્ટીઓ વાયદાઓ આપી રહ્યા છે.