કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ નવા ટ્રાફિક નિયમોને લઈને લોકોમાં ફેલાઈ રહેલી નારાજગીના સંદર્ભમાં પ્રતિક્રિયા આપી છે. ગડકરીએ કહ્યું છેકે, ટ્રાફિક નિયમોને કઠોર કરવાનો નિર્ણય લોકોની જિંદગીને બચાવવાના પ્રયાસરૂપે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દંડની રકમ ઓછી કરવાના નિર્ણય ઉપર તેમણે કહ્યું હતું કે, તેઓ આ વિષય ઉપર માત્ર એટલી જ વાત કરવા માંગે છે કે, દંડ મારફતે મળેલી રકમ રાજ્ય સરકારોને જ મળશે. રાજ્ય સરકારો દંડ ઘટાડવાનો નિર્ણય પોતે કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ઈરાદો માર્ગોને વધુ સુરક્ષિત બનાવવાનો છે. ગડકરીને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગડકરીએ એમ પણ કહ્યું છે કે, જો લોકો ટ્રાફિક નિયમોને પાળશે તો દંડની રકમ ભરવાની પણ કોઈ જરૂર રહેશે નહીં. આ ભારે ભરકમ દંડની રકમનો હેતુ જાનહાનિને ઘટાડી દેવાનો રહેલો છે. ગુજરાત સરકારે ગઈકાલે જ દંડને ૯૦ ટકા સુધી ઘટાડી દેવાની જાહેરાત કરી છે. કેટલીક અન્ય સરકારો પર ભવિષ્યમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. કેન્દ્રિય મંત્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ભારતમાં દર વર્ષે માર્ગ દુર્ઘટનામાં ૧ લાખ ૫૦ હજારથી વધુ લોકોના મોત થઈ જાય છે. આમાંથી ૬૫ ટકા લોકોની વય ૧૮ થી ૩૫ વર્ષની હોય છે. દર વર્ષે ૨ થી ૩ લાખ લોકો માર્ગ દુર્ઘટનાના કારણે દિવ્યાંગ બની જાય છે. અમે યુવાઓની જાનની કિંમત સમજી રહ્યા છે. આ જ કારણસર જીવનને સુરક્ષિત બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. રાજ્ય સરકારો દ્વારા દંડની રકમ માફ કરવાના નિર્ણય પર ગડકરીએ કહ્યું હતું કે, પ્રદેશની સરકારોને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે. રાજ્યો નિર્ણય લઈ શકે છે. આમા તેમને કોઈ વાંધો નથી. જે પણ રેવેન્યુ આવશે તે રાજ્ય સરકારો પાસે રહેશે. મંત્રી તરીકે તેઓ કહેવા માંગે છે કે, આ દંડ રેવેન્યુ માટે નહીં બલકે લોકોની જીંદગી બચાવવા માટે છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, દંડનો ઉદેશ્ય આવક વધારવા માટેનો રહેલો નથી. અમે માર્ગ દુર્ઘટનાને રોકવા માટે તથા માર્ગ સુરક્ષા ઉપર ધ્યાન આપવા માંગીએ છે. માર્ગ દુર્ઘટનાના મામલામાં ભારતનો રેકોર્ડ ખુબ ખરાબ રહેલો છે. જો લોકો પરિવહનના નિયમોને સારી રીતે પાળશે તો કોઈ પણ તકલીફ થશે નહીં. કોઈ દંડની રકમ ચુકવવી પડશે નહીં. પહલી સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમો અમલી બન્યા બાદ આને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. ગડકરીએ બચાવ કરતા કહ્યું છે કે, કઠોર કાયદાની જરૂર હતી કારણ કે લોકો ટ્રાફિકના નિયમોને લઈને ખુબ જ ઉદારશીલ બની ગયા હતા. ટ્રાફિકના નિયમોને પાળી રહ્યા ન હતા.
હવે આમા સુધારો કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિકના નિયમોના ભંગના મામલામાં ગુજરાત સરકારે દંડની રકમ ૯૦ ટકા સુધી ઓછી કરી છે.