સીએમ વિજય રૂપાણી રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ત્યારે સીએમ રૂપાણીએ રૂપિયા ૫૯૧ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. આ સાથે જ નવા ૧૫૦ ફુટ રિંગ રોડ પર આવેલા અટલ સરોવરમાં નવા નીરના વધામણાં કર્યાં હતા. આ તકે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થયો છે. નર્મદા ડેમ પ્રથમ વખત ૧૩૭ મીટર સુધી પહોચી ગયો છે. દરવાજા લાગ્યા બાદ પ્રથમ વખત ડેમ સંપુર્ણ ભરાશે. તેમ જણાવ્યું હતું.
રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ સિટીની ડિઝાઇન અને પ્લાનિંગનું કામ અમદાવાદની આઇએનઆઇ ડિઝાઇન સ્ટુડિયોને ૫ કરોડ રૂપિયામાં આપવામાં આવ્યું હતું. આ કામ ગત મે માસમાં આપવામાં આવ્યું હતું અને ટેન્ડરની શરત મુજબ કામ છ માસમાં પૂરું કરવાનું હતું, પરંતુ તે કામ સવા વર્ષે પૂરું કરવામાં આવ્યું છે. ટેન્ડરની શરત મુજબ એજન્સીએ ૧૫ નિષ્ણાંત ઇજનેરોની ટીમ રાજકોટમાં રાખી કામ કરવાનું હતું, પરંતુ એજન્સીએ રાજકોટ શહેરમાં ઓફિસ જ શરૂ ન કરી, જ્યારે અમદાવાદથી તેના માણસો કે એન્જિનિયરો આવ્યા ત્યારે મનપાની સ્માર્ટ સિટીની વેસ્ટ ઝોન કચેરીનો જ ઉપયોગ કરી કામગીરી કરી હતી. સૌથી મહત્ત્વની કામગીરી સરવે અને ટી.પી. સ્કીમ તૈયાર કરવાની હતી, પરંતુ તે કામગીરી પણ મનપાની ટાઉન પ્લાનિંગ શાખાએ કરી છે. આમ છતાં એજન્સીને અત્યાર સુધીમાં ૩.૫૦ કરોડ રૂપિયાની રકમ ચૂકવી દેવામાં આવી છે અને બાકીની રકમ ટૂંક સમયમાં આપવા માટે મનપાના અધિકારીઓએ તૈયારી શરૂ કરી છે.