મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અસ્પૃશ્યતાની બાબતને ગંભીરતાથી લીધી છે અને આ અંતર્ગત બનતી કોઇપણ ઘટના માટે કડકમાં કડક કાર્યવાહી કરી ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. વિધાનસભા ગૃહમાં આભડછેટ અંગેના પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર જ્ઞાતિ-જાતિથી ઉપર જઇ યોજનાઓ બનાવી રહી છે જેથી સૌ સાથે મળી એકસાથે રહી લાભ લઇ શકે. તેમણે એટ્રોસીટીના કેસો તથા રીવ્યુ મિટીંગો દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેની જાણકારી આપી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં સામાજિક સમરસતા સાથે આભડછેટ દૂર થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આવી બાબતોને સરકારે ખૂબ ગંભીરતાથી લીધી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે આાભડછેટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, ભારત સરકારની માન્યતા પ્રાપ્ત સેપ્ટ યુનિવર્સિટી દ્વારા આભડછેટ અંગે સર્વે થયેલ અને વિગતોનો અભ્યાસ કરી તેની ભલામણોને સંબંધિત વિભાગને કાર્યવાહી કરવા મોકલી આપેલ છે. આભડછેટ દૂર કરવા લેવાયેલા પગલા અંગે ન્યાય અને અધિકારીતા મંત્રીએ જણાવ્યું હતું કે, નાગરિકોના મૂળભૂત અધિકારોનું પાલન કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ સરકારે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ પંચની રચના કરી છે. તેમજ આવી ઘટનાઓમાં અરજદારને ત્વરિત ન્યાય મળે તે માટે ૪૩ ખાસ કોર્ટની રચના કરવામાં આવી છે. તેમજ ૧૬ વિશિષ્ટ સરકારી વકીલો તેમજ ૧૭ ખાસ વકીલોની નિમણૂંક કરી છે. મંત્રીએ જણાવ્યું કે પોલીસ મહાનિર્દેશકની કચેરી ખાતે અધિક પોલીસ મહાનિર્દેશક હેઠળ ખાસ સેલ પણ કાર્યરત છે. ઉપરાંત મુખ્યમંત્રીના અધ્યક્ષ પદે આવા કેસોની સમયાંતરે સમીક્ષા કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.