ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીના આજે ૧૧ સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે નાગરીક અભિવાદન સમિતિ દ્વારા તાજેતરમાં કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવાતા તેના માનમાં વિશાળ ભારત એકતા કુચનું શહેરના એવી.સ્કુલ મેદાન ખાતેથી આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેર ભરની તમામ શાળાના હજ્જારો વિદ્યાર્થીઓ ઉપરાંત, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, સંતો-મહંતો અને શાળાના આચાર્યો, શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને શહેરના નિર્ધારિત રૂટ પર ફરી પરત એવી. સ્કુલ મેદાનમાં પહોચ્યા હતા વિશાળ એકતાયાત્રાનું તેમજ જીતુભાઈ વાઘાણીનું ઠેર ઠેર આગેવાનો દ્વારા અભિવાદન-સ્વાગત કરવામાં આવ્યુ હતું.
પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાગરિક અભિવાદન સમિતિ દ્વારા ભારત એકતા યાત્રાનું આયોજન કરાયેલ. એવી. સ્કુલ મેદાન ખાતે સવારથી જ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો સાથે પહોચી ગયા હતા. જ્યાં પ્રસ્થાન સમારોહ યોજાયો હતો. જેમાં જીતુભાઈ વાઘાણી ઉપરાંત રાજ્યના મંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગરના ભાજપના પ્રભારી મહેશભાઈ કસવાલા, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી, ઉદ્યોગપતિ અને લીલાગૃપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્મા, ઉદ્યોગપતિ મેહુલભાઈ પટેલ, ભાવનગરના મેયર મનભા મોરી, શહેર પ્રમુખ સનતભાઈ મોદી તથા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, સંતો-મહંતો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને વિશાળ રેલીનું પ્રસ્થાન કરાવી હતી. તેમજ આ રેલીમાં તમામ આગેવાનો પણ જોડાયા હતા. એવી સ્કુલ મેદાન ખાતેથી નીકળેલી આ યાત્રા નવાપરા, ભીડભંજન, મોતીબાગ રોડ, ઘોઘાગેટ ચોક, એમ.જી.રોડ, ખારગેટ, મામાકોઠા રોડ, દિવાનપરા રોડ, હલુરીયા થઈને પરત એવી સ્કુલ મેદાન ખાતે પહોચી હતી. આ યાત્રામાં વિવિધ શાળાના બેન્ડ તેમજ ડી.જે. સથવારે વિદ્યાર્થીઓ સુત્રોચ્ચાર સાથે નિકળ્યા હતા. આ યાત્રામાં ઠેર ઠેર યાત્રાનું તેમજ જીતુભાઈ વાઘાણીનું આગેવાનો દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ, વેપારીઓ દ્વારા અભિવાદન અને સ્વાગત કરવામાં આવ્યુ હતું.
એવી સ્કુલ ખાતે યાત્રા પહોચ્યા બાદ આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા અને જીતુભાઈ વાઘાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ ગદગદીત થઈને લોકોનો આભાર માનતા કહ્યું કે સૌ પ્રથમ વખત મારો જન્મદિવસ આવી રીતે ઉજવાયો છે. સૌ કોઈનો આભાર માનવા સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના નિર્ણયને દેશભરની સાથો સાથ ભાવેણાવાસીઓએ પણ વધાવી લીધો છે તેનો ગૌરવ અનુભવતા હોવાનું જણાવેલ અને ઉપસ્થિત આગેવાનોની સાથે ૩૭૦ લખેલું ભારતના નકશાનું કટઆઉટ ગેસના ફુગ્ગા સાથે બાંધી આકાશમાં ઉડાડાયું હતું. અને ભારત દેશનું નામ હંમેશા દુનિયાભરમાં ગુંજતું રહે તેમ જણાવ્યું હતું. આમ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જન્મદિવસની ભાવેણાવાસીઓએ નાગરીક અભિવાદન સમિતિના નેજા હેઠળ અનોખી ઉજવણી કરી હતી.