અંબાજી મેળામા લાખો યાત્રિકો આવે છે. ઘણા યાત્રિકો સપરિવાર પણ આવે છે. મહામેળામાં કોઇ બાળક ખોવાઇ જાય તો તેને તેના પરિવાર સાથે મિલન કરાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળામાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળાના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શરૂ કરાવેલ માતૃમિલન પ્રોજેકટ ઘણા પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યો છે.
બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. એન. વી. મેણાતના જણાવ્યા પ્રમાણે અંબાજીમાં પ્રવેશવાના તમામ રસ્તાઓના પ્રવેશદ્વારો ઉપર જ વોડાફોન કંપનીના સ્ટોલ ઉભા કરીને બાળકના અને વાલીના નામ-સરનામા, સંપર્ક નંબર વગેરે વિગતોનું રજીસ્ટ્રેશન કરીને આરએફઆઈડી કોડવાળુ આઇકાર્ડ ઇસ્યુ કરી બાળકના ગળામાં પહેરાવવામાં આવે છે.
આવુ કાર્ડ પહેરેલ બાળક મહામેળામાં તેના પરિવારથી વિખુટુ પડી જાય તો તાત્કાલીક બાળકના વાલીના રજીસ્ટર કરેલ સંપર્ક નંબર ઉપર સંપર્ક કરવામાં આવે છે. જેનાથી બાળકને ઝડપથી તેના પરિવાર સાથે મિલન કરાવી શકાય છે.
પરિવારથી વિખુટુ પડેલ બાળક મળી આવે કે તરત જ તેના પરિવારના સંપર્ક માટે ઝડપી પ્રયાસો કરવામાં આવે છે. અંબાજી ખાતેના કંટ્રોલરૂમ ઉપરથી માઇક ઉપર જાહેરાત કરવામાં આવે છે. ૩ કલાક સુધી બાળકના વાલી ન મળી આવે તો બાળકને સાચવવા એ.સી.રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોની સહાયતા માટે ૨૪ કલાક હેલ્પ સ્ટોર કાર્યરત છે.