અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી હાઇસ્પીડ બુલેટ ટ્રેનને લઈ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના ડાયરેકટર અચલ ખરેએ અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. બુલેટ ટ્રેનના રૂટ પર નવસારી સહિત અન્ય જગ્યાએ જમીનને લઈ વિવાદ હતો એ દૂર થઈ રહ્યો છે. જમીન આપવાનો વિવાદ જંત્રીના ભાવે જમીન આપવાને લઈ ઉભો થયો હતો. જે માટે રાજ્ય સરકારને રજુઆત કરતા જંત્રીના ભાવ વધારી આપ્યા છે. જેથી ખેડૂતો જમીન આપવા તૈયાર થઈ ગયા છે.
એનએચએસઆરસીએલના ડાયરેકટરે આગળ કહ્યું કે, ટ્રેનના રૂટ માટે ગુજરાતના ૫૩૦૦થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે, જેમાં ૨૬૦૦ જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે. બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઈ જશે. સાબરમતીથી મુંબઈ સુધીનું અંદાજીત ભાડું રૂ.૩૦૦૦ જેટલું હોય શકે છે.
એનએચએસઆરસીએલના ડાયરેકટર મુજબ, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ(સીએસટી)થી અમદાવાદના સાબરમતી જંકશન સુધી દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ખર્ચ ૧ લાખ કરોડથી વધુ થશે. જેમાં જમીન સંપાદીત કરવા માટે રૂ. ૧૭૦૦૦ કરોડ ખર્ચવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતમાં ૧૫૮ ગામોની જમીન સંપાદીત કરવામાં આવી છે, જેમાં માત્ર ૧૫ ગામની જમીનમાં જ જંત્રીના ભાવને લઈ તકલીફ પડી છે. રૂટમાં આવતા નાન્દેજ ગેરતપુર પાસે આવેલા ઓએનજીસીના ૫ કૂવા ખસેડવામાં આવ્યા છે.