જગત જનનીમા અંબાના ધામ અંબાજીમાં છેલ્લા ચાર દિવસોમાં ૧૨ લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધાનો અંદાજ છે. ત્યારે અનેક લોકો ઘણાં દાન પણ કરી રહ્યાં છે. ત્યારે બુધવારે વડોદરા જિલ્લાના પાદર તાલુકાના શ્રમિક ભક્તે મા અંબાના દરબારમાં એક લાખની કિંમતની સોનાની પાદુકા ભેટ ચઢાવી હતી. ચોકારી ગામના અર્જુનસિંહ પઢીયારે બુધવારે બપોરે માં અંબાના ચરણોમાં બે સોનાની પાદુકા અર્પણ કરી હતી. જેની કિંમત ૧,૦૪,૫૦૧ જેટલી છે. આનું વજન ૩૦.૩૦૦ ગ્રામ છે. શ્રમિક પરિવાર છેલ્લા સાત વર્ષથી અંબાજી ચાલતા આવે છે. દિકરીઓ બાદ મા અંબાએ દીકરો આપતાં માનતા ઉતારી હતી.
અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાના મેળાના ચોથા દિવસે ૩.૧૦ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આમ છેલ્લા ચાર દિવસમાં ૧૨ લાખથી વધુ ભક્તોએ માં અંબાના દરબારમાં માથું ટેકવ્યું છે.