પોક ઉપર કોઇપણ સમયે પગલા લેવા તૈયાર : રાવત

359

જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને ગયા મહિને નાબૂદ કરવામાં આવ્યા બાદથી પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા દુષ્પ્રચાર અને ઉશ્કેરણીજનક નિવેદનો વચ્ચે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પ્રહાર કર્યા હતા.

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને લઇને સેના પ્રમુખ રાવતે કહ્યું હતુ ંકે, સેના પીઓકેને લઇ કોઇપણ પ્રકારના અભિયાનને લઇને તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, સરકારના આદેશ પર સેના કોઇપણ કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહના પીઓકેને લઇને આપેલા નિવેદન અંગે બિપિન રાવતે કહ્યું હતું કે, આ અંગે નિર્ણય સરકારે કરવો છે. તેમણે કહ્યું હતું કે, અન્ય સંસ્થાઓ તો જે પ્રમાણે સરકાર કહેશે તેવી જ તૈયારીઓ કરશે. સેનાની તૈયારી અંગે પૂછવામાં આવતા બિપિન રાવતે કહ્યું હતું કે, સેના તો કોઇપણ સમયે કાર્યવાહી માટે તૈયાર જ રહે છે. જનરલ રાવતે કહ્યું હતું કે, પીઓકે અંગે સરકારના નિવેદનથી ખુબ જ ખુશ છીએ. તેમણે કહ્યું હતું કે, આ અંગે નિર્ણય સરકાર કરશે પરંતુ અમે નિર્દેશના આધારે તૈયાર છીએ. આ પહેલા રક્ષામંત્રી રાજનાથસિંહે પણ પીઓકેને લઇ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનથી હવે કોઈપણ વાતચીત પોક અંગે કરવામાં આવશે નહીં. એટલું જ નહીં છઠ્ઠી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદમાં ૩૭૦ પર વિપક્ષના સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે, અમે જાન આપી દઇશું પરંતુ પોકને લઇને જ રહીશું. પોકને લઇને સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, સરકારને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને લઇ નિર્ણય કરવાનો છે. સેના કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદીના નિર્ણયનું આર્મી ચીફ બિપિન રાવતે સ્વાગત કર્યું હતું.

Previous articleપુત્ર જન્મની ખુશીમાં એક શ્રમિક પરિવારે અંબાજી મંદિરમાં સોનાની પાદુકા અર્પણ કરી
Next articleહથિયારોથી સજ્જ ટ્રક અને ત્રણ આતંકવાદીની ધરપકડ