બંન્ને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત બાદ સમાધાન

341

લદ્દાખની નજીકમાં આવેલી ભારત-ચીન સરહદ પર ભારતીય અને ચીની જવાનો આમને-સામને આવી ગયા છે. બુધવારે પેંગોન્ગ સરોવરના ઉત્તરી કિનારા પર બંને સેનાઓના જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી તેમજ ધક્કા-મુક્કી થઈ હતી. જોકે, ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી.

ભારતીય સેનાના જવાન પેંગોન્ગ નદીના ઉત્તરી કિનારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનો સામનો ચીનના પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનો સાથે થયો હતો. ચીની સેના ભારતીય જવાનોની હાજરીનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને સેનાઓના જવાન વચ્ચે વિવાદ થયો હતો. ત્યારપછી સીમા પર જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી હતી.

સેનાના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, પેંગોન્ગ લેકનો હિસ્સો ઘણો વિવાદિત છે. તેનો બે તૃતિયાંશ હિસ્સો ચીનના કબજાવાળા તિબ્બેટમાં છે. બાકીનો ભારતીય સીમામાં છે. આ નદી કિનારાની લંબાઈ અંદાજે ૧૩૪ કિમી છે. ચીનને ઝીલના ઉત્તરી ભાગમાં ભારતીય જવાનોની હાજરીથી તકલીફ હતી. ચીની સેનાનો વિરોધ કર્યા પછી ભારતીય જવાન ત્યાંથી હટ્યા નહીં. કારણકે તેઓ ભારતીય સીમામાં જ હતા. બંને સેનાઓ વચ્ચે તણાવ ઓછો કરવા માટે બ્રિગેડિયર રેન્કના અધિકારીઓએ ફ્લેગ મીટિંગ કરી. ત્યારપછી ચીની સૈનિકો પાછા હટવા તૈયાર થયા હતા અને તેમની વચ્ચેનો વિવાદ પૂરો થયો હતો.

નોંધનીય છે કે, ચીન બોર્ડર પર ભારતીય સેના ઓક્ટોબરમાં મોટો યુદ્ધભ્યાસ કરવાની છે. ભારતીય સેનાની માઉન્ટેન સ્ટ્રાઈક કોરના ૫,૦૦૦થી વધુ જવાન ઓક્ટોબરમાં અરુણાચલ પ્રદેશમાં વાયુ સેના સાથે યુદ્ધભ્યાસ કરવાની છે.

ચીન બોર્ડર પર આ પહેલો યુદ્ધભ્યાસ થશે. સેનાના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા કહ્યું છે કે, તેજપુર સહિત ૪ કોરને હાઈ અલ્ટીટ્યૂડ પર આપણી સેનાની રક્ષા માટે તહેનાત કરવામાં આવશે. જ્યારે ૧૭ માઉન્ટેન સ્ટ્રાઈક કોરના ૨૫૦૦ જવાનોને એરફોર્સ એરલિફ્ટ કરશે. સ્ટ્રાઈક કોરના જવાન યુદ્ધભ્યાસમાં ૪ કોરના જવાનો પર હવાઈ હુમલો કરશે.

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ ખતમ કરવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત રાજ્યમાં વહેંચવાનો ચીને વિરોધ કર્યો હતો. તેઓ કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં પણ પાકિસ્તાનનો સાથ આપી ચૂક્યા છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાં સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, જ્યારે જમ્મુ-કાશ્મીરની વાત આવે છે ત્યારે તેમાં પાકિસ્તાનના કબજાવાળુ પીઓકે અને ચીનના કબજાવાળા એક્સાઈ ચીનનો પણ સમાવેશ થઈ જાય છે. આ બંને વિસ્તારો જમ્મુ-કાશ્મીરના અભિન્ન અંગ છે.

Previous articleઆર્થિક કટોકટીને સુધારવા નક્કર નીતિની જરૂર : રાહુલ
Next articleપ્રજાને લૂંટનારા હવે યોગ્ય જગ્યા પર પહોંચી ગયા છે : નરેન્દ્ર મોદી