કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એકટની નવી જોગવાઇઓ અને દંડના નવા નિયમોમાં આંશિક ઘટાડા સાથે ગુજરાત રાજયમાં તા.૧૬મી સપ્ટેમ્બરથી અમલવારી કરવાની રાજય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત બાદ હવે અમદાવાદ શહેર સહિત રાજયભરના પ્રજાજનોમાં એક પ્રકારનો આંતરિક રોષ ભભૂકી ઉઠયો છે. કારણ કે, નાગરિકોને પીયુસી, લાઇસન્સ, આરસી બુક કે ઇન્શ્યોરન્સ સહિતના દસ્તાવેજો પરિપૂર્ણ કરવા માટેનો પૂરતો સમય પણ આપવામાં આવ્યો નથી અને તેના કારણે પીયુસી સેન્ટરો, આરટીઓ કચેરી સહિતના સ્થળોએ નાગરિકોની લાંબી લાંબી લાઇનો નજરે પડી રહી છે અને લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહી બહુ ભયંકર હાલાકી અને માનસિક ત્રાસનો ભોગ બનવા માટે જાણે મજબૂર બન્યા છે. કેટલાક સિનિયર સીટીઝન્સ સહિતના નાગરિકોએ તો આજે કલાકો સુધી લાઇનમાં ઉભા રહી વેઠેલી ભયંકર હાલાકી બાદ સરકારના તઘલખી ફરમાન પરત્વે આક્રોશ અને બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, આટલા મોટા અને રાષ્ટ્રવ્યાપી નિર્ણયની અમલવારી કરવાની હોય તો નાગરિકોને પૂરતો સમય તો આપવો પડે ને..માત્ર-બે ચાર દિવસમાં અચાનક આટલા મોટા નિર્ણયની અમલવારી કેવી રીતે થઇ શકે? વાસ્તવમાં કોઇપણ કાયદો કે નિયમો નાગરિકોની સુખાકારી અને સાનુકૂળતા માટે હોય છે, નહી કે, જાહેરજનતાને હેરાન કરવા કે હાલાકી ભોગવવા માટે મજબૂર કરવા માટે. સરકારે ખરેખર તો, ગંભીરતા દાખવી અને પુખ્ત વિચારણા કરી ટ્રાફિકના નવા નિયમોની અમલવારી માટે પૂરતો સમય આપવો જોઇએ અને ત્યારબાદ તેની અમલવારી કરવી જોઇએ. ત્યાં સુધી આ નવા નિયમોની અમલવારી મોકૂફ રાખવી જોઇએ. કેટલાક નાગરિકોએ વ્યવહારૂ વાત કરતાં જણાવ્યું હતું કે, ટ્રાફિકના નવા નિયમોની તાત્કાલિક અમલવારી આ પ્રકારે શકય જ નથી. આ તો માત્ર પ્રજાને હેરાન કરવાની અને તેમને ડરાવવાની વાત છે, બીજુ કંઇ નહી. દંડના નામે સરકાર કરોડો-અબજો રૂપિયા સરકારની તિજોરીમાં ભરવા માંગે છે પરંતુ નાના ગરીબ અને મધ્યમ વર્ગના માણસો માટે દંડની આ રકમ આખો મહિનો તેમનું ભરણપોષણ કે બાળકોનું ગુજરાન થઇ જાય એટલી છે. સરકારે ખરેખર આ મામલે ગંભીરતાપૂર્વક વિચારવું જોઇએ કારણ કે, આમાં લાખો પ્રજાજનો હાય લેવાની વાત છે.
સરકાર માટે. વળી, જો આ અમલવારી કરવી પણ હોય તો તે માટે સરકારે લોકોને પૂરતો સમય આપવો પડે. એટલા માટે, કે કોઇના લાઇસન્સની મુદત પૂરી થતી હોય, ઇન્શ્યોરન્સની તારીખ પતતી હોય કે, પીયુસી અને આરસી બુકને લઇ કોઇ પ્રશ્ન કે સમસ્યા હોય તો તેના નિવારણ કે નવી કઢાવવા માટે પણ સમય તો જોઇએ ને.. રાજય સરકારના આ પ્રકારે અચાનક તા.૧૬મીથી અમલવારીના તઘલખી ફરમાનથી અત્યારે પીયુસી સેન્ટરો, આરટીઓ કચેરીઓ, વીમાકંપનીઓ સહિતના સ્થળોએ નાગિરકોને લાંબી લાંબી લાઇનો લગાવવાની ફરજ પડી છે. રોજબરોજના ઘરના કે નોકરી કે ધંધા-રોજગાના કામો છોડી નિર્દોષ નાગરિકોને બહુ ભયંકર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે બિલકુલ યોગ્ય કે વાજબી ના કહી શકાય. આ સમગ્ર વાતમાં નિર્દોષ નાગરિકોના બંધારણીય અધિકારના હનની પણ વાત આવે છે, તેથી રાજય સરકારે તાત્કાલિક ધોરણે આ નવા નિયમોની અમલવારી હાલ પૂરતી મોકૂફ રાખી, તેના માટે બે-ચાર મહિના જેટલો પૂરતો સમય આપવાની જાહેરાત કરવી જોઇએ કે જેથી જાહેરજનતામાં ઉઠેલો ઉહાપોહ અને ડરનો એક માહોલ છે, તે શાંત થાય.