રંઘોળા ગામ નજીક થયેલા અકસ્માતમાં ૩૨ જેટલા લોકોનાં મોત થયા છે. તમામ મૃતકો સિહોરના અનિડા ગામથી બોટાદના ટાટમ ગામ ખાતે જાનમાં જઈ રહ્યા હતા. આ સમયે રંધોળા ખાતે અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં કાળનો કોળિયો બની જનાર ૩૨ જેટલા લોકોમાંથી અનિડા ગામના જ ૨૦થી વધુ લોકોનો સમાવેશ થાય છે. અનિડા ગામ વિશે વાત કરીએ તો ગામની વસતી માંડ ૨૦૦ જેટલી છે. ગામમાં મોટા ભાગની વસતી કોળી સમાજની છે. ગામના લોકો એટલા ગરીબ છે કે અહીં કોઈને રહેવા માટે પાકા મકાન પણ નથી. ગામમાં ૫૦ જેટલા નાના મોટા મકાનો આવેલા છે. મોટા ભાગના મકાનો કાચા છે.
આ ગામ પહાડોથી ઘેરાયેલું છે. ગામ એટલું પછાત છે કે અહીં સ્મશાનની પણ કોઈ વ્યવસ્થા નથી. જેના ઘરે લગ્ન હતા તે વાઘેલા પરિવારનું મકાન હાલમાં તૂટી ગયેલી હાલતમાં છે. પોતાના ઘરે લગ્નનો પ્રસંગ હોવાથી આ પરિવાર અન્યના ઘરમાં રહેતો હોવાની માહિતી પણ મળી રહી છે.