રંઘોળા નજીકના ગમખ્વાર ઘટના બાદ સરકારી તંત્રની બેદરકારીના કારણે ભારે આફતગ્રસ્ત બનેલ ભારવાહક વાહનોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મુસાફરોની હેરાફેરી ભારે સમસ્યારૂપ બની તેના ફળસ્વરૂપે બહાર આવેલ. આ ખોફનાક ઘટના સમાજને વિચલિત કરી દેવા સમાન બની છે. હાલ ખાસ કરીને લગ્નયાત્રા પ્રવાસ તેમજ અન્ય સામુહિક પ્રસંગોમાં આવા ભારવાહક વાહનોનો ઉપયોગ વધી જવા પામેલ છે. આવા વાહનોને પેસેન્જર હેરાફેરી પરમીટ ન હોય વિમો પણ નથી હોતા તેમજ આ માટે જરૂરી ફિટનેસના અભાવે વિમાકલેઈમ તેમજ સહાયની રકમ પણ મળતી નથી અને સલામત સવારી રહેવા પામી નથી. હાલ પેસેન્જર વાહનો આવા ભારવાહક વાહનનો પરિણામે ભારે મુશ્કેલી ભોગવી રહેલ છે. દર મહિને આરટીઓમાં પેસેન્જર વાહનમાં સીટ દીઠ રૂા.પ૦૦થી વધુ રકમ ભરવી પડે છે. સ્લીપર બસમાં રૂા.૧૦૦૦ સીટ દીઠ ભરવા પડે છે. વાર્ષિક વિમાના દરમાં ભારે ભાવવધારો ટુરીઝમ ઉદ્યોગને મોટો ફટકો પડેલ છે. ટુરીઝમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના બદલે પાયાના પથ્થર સમાન આવા વાહનો-માલિકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામેલ છે. પરિણામે સસ્તામાં સવારી સમાન ભારે વાહનોનો બેફામ ઉપયોગ તંત્રની મીઠીનજર નીચે વધી જવા પામેલ છે. ટુર ઓપરેટર દિલીપભાઈ મોરીના જણાવ્યા અનુસાર હાલ કુશળ ડ્રાઈવરો લાયસન્સના અભાવે મળતા નથી. હાલ લાયસન્સ મેળવવામાં ભારે આંટાઘુંટી ઉભી થવા પામેલ છે.
ભાવનગર સીટીના આજુબાજુના ગામડાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાર વાહનોનો ઉપયોગ યાત્રા-પ્રવાસ-લગ્ન તેમજ અન્ય કામોમાં ભારે ઉપયોગ થઈ રહ્યો છે.