શેરબજારમાં આજે છેલ્લા કલાકમાં જોરદાર લેવાલી જામી હતી. રેંજ આધારિત કારોબાર આજે પણ જારી રહ્યો હતો. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૮૧ પોઇન્ટ ઉછળીને ૩૭૩૮૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સે ૯૩ પોઇન્ટ ઉછળીને ૧૧૦૭૬ની સપાટી હાંસલ કરી હતી. ઇન્વેસ્ટરોની ભાવના હાલમાં યોગ્ય દેખાઈ રહી નથી. ઇન્વેસ્ટરો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણાની પ્રગતિ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક તરફથી આક્રમક પેકેજની ઇચ્છા રાખવામાં આવી રહી છે. ગ્લોબલ ઇકોનોમિક મંદીના માહોલમાં મૂડીરોકાણકારો આશાસ્પદ દેકાઈ રહ્યા છે. વેદાંતાના શેરમાં આજે ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. બીએસઈ સેંસેક્સમાં તેના શેરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ એક ટકાનો ઘટાડો રહ્યો હતો. દિવસ દરમિયાન ૩૦ શેર ઇન્ડેક્સમાં ઉંચી અને નીચી સપાટી ક્રમશઃ ૩૭૪૧૩ અને ૩૭૦૦૦ રહી હતી. આ ઉપરાંત બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૬૬૬ નોંધાઈ હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૦૫ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૦૧૩ નોંધાઈ હતી. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. ફાર્મા સિવાય સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજીનો માહોલ જામ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૧.૪૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૧.૦૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ફાર્મામાં ૦.૮૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સાપ્તાહિક આધાર પર બીએસઈ સેંસેક્સમાં એક ટકાનો અને નિફ્ટીમાં ૧.૧૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શેરમાં છ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો.