ગણેશજીના ભક્તો માટે આંખ ઉઘાડનારા દૃશ્યો અમદાવાદથી આવી રહ્યા છે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા વિસર્જન કરાયેલી મૂર્તિઓનો કચરાગના ઢગમાં કચ્ચરઘાણ કાઢવામાં આવ્યો છે. લાખો ભક્તોની આસ્થા સાથે ચેડાં સમાન આ કિસ્સામાં ગણપતિજીની વિસર્જન કરાયેલી મૂર્તિઓને કચરાના ઢગલામાં જે.સી.બીના પાવડે કચડી નાખવામાં આવી છે.
અંદાજે ૧.૫ લાખ મૂર્તિઓનું આવી રીતે જ ’વિસર્જન’ કરવામાં આવશે. શહેરની નજીક ગ્યાસપુર અને કોતરપુર ડમ્પ યાર્ડમાં લોકોએ સ્થાપીને પૂજન કરી, વિસર્જન કરેલી પી.ઓ.પીની ગણેશજીની મૂર્તિઓનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. કોર્પોરેશને કહ્યું હતું કે સાબરમતીમાં વિસર્જન નહીં થાય પરંતુ તંત્ર દ્વારા ખાડો બનાવી અને કચરના ઢગલા વચ્ચે તેનો નિકાલ કરવામાં આવ્યો છે. અહીં જે.સી.મી મશીન દ્વારા અમદાવાદ શહેરના લાખો લોકોની આસ્થાનું વિસર્જન કરાયું છે. એક વિશાળ ખાડો બનાવી તેમાં મૂર્તિઓને કચડી તેના પર માટી નાખી દેવામાં આવી છે. લોકોને અવારનવાર અપીલ કરવામાં આવી હોવા છતાં પી.ઓ.પીની મૂર્તિનું સ્થાપન થતું હોવાના કારણે તેનો નિકાલ થઈ શકતો નથી. જો લોકો માટીના ગણેશજીની સ્થાપના કરે તો ઘરમેળેજ વિસર્જન શક્ય છે.