રંઘોળા ગામ નજીક બનેલ ગંભીર અકસ્માતના પગલે એક બાદ એક એમ થોડા સમયમાં શહેરની સર ટી. હોસ્પિટલમાં ૪૦ થી વધુ લોકો નાની-મોટી ગંભીર ઈજા સાથે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પરંતુ અત્રે સ્ટાફની અછત સાથોસાથ ગંભીર રીતે ઘવાયેલાઓ માટે રક્તની પણ જરૂરીયાત ઉભી થતા સર ટી. હોસ્પિટલ દ્વારા રકતદાતાઓને સોશ્યલ મિડીયામાં હાંકલ કરવામાં આવી અને જોતજોતામાં બ્લડ ડોનેશન અર્થે લોકો મોટીસંખ્યામાં એકઠા થવા લાગ્યા હતા પરંતુ રક્ત એકત્ર કરી શકે તેવા લેબ ટેકનીશ્યનોની પણ અછત વર્તાતા ખાનગી લેબોરેટરીમાંથી નર્સીંગ સહિતનો સ્ટાફ ઉપરાંત અન્ય ખાનગી બ્લડ બેંકો પણ મદદે દોડી આવી હતી. આ તકે લઘુમતી સમાજની કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા મોટીસંખ્યામાં યુવા રકતદાતાઓ સાથે હાજર થયા હતા તેમજ મદરેસામાં અભ્યાસ કરતા પુખ્તવયના યુવાનોને પણ બ્લડ ડોનેશન માટે લાવવામાં આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર બપોરે સુધીમાં ૩૩૪ બોટલ રક્ત એકત્ર થયું હતું. આમ કપરા સમયમાં પણ ભાવેણાવાસીઓએ નાતજાતના ભેદભાવ વિના માનવસેવાનો ધર્મ નિભાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.