ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને આજે વધુ એક મોટો ફટકો પડ્યો હતો. દિલ્હીની એક અદાલતે મની લોન્ડરિંગ સાથે સંબંધિત મામલામાં સેરેન્ડર કરવા માટે પી ચિદમ્બરમની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે ગુરુવારના દિવસે પોતાનો આદેશ એક દિવસ માટે સુરક્ષિત રાખી દીધો હતો. સુનાવણી દરમિયાન ઇડીએ કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ હાલમાં ચિદમ્બરમની ધરપકડ કરવા માટે ઇચ્છુક નથી. ઇડીએ ચિદમ્બરમની સેરેન્ડરની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, તેઓ હાલમાં જેલમાં છે જેથી સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરી શકે તેવી સ્થિતિમાં નથી. ઇડીએ એમ પણ કહ્યું છે કે, તેઓ આ મામલામાં અન્ય છ લોકોની પુછપરછ કરવા માટે ઇચ્છુક છે. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની મોડેથી ધરપકડ કરવાની ઇચ્છા ઇડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આની પાછળ ઇડીની યોજના ચિદમ્બરમને વધારે પરેશાન કરવાની રહેલી છે. ઇડીએ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ મામલામાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ધરપકડની જરૂર દેખાઈ રહી છે. યોગ્ય સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. ખાસ ન્યાયાધીશ અજયકુમારની સામે મની લોન્ડરિંગ સાથે જોડાયેલા આઈએનએક્સ મામલામાં શરણાગતિની માંગ કરી રહેલા ચિદમ્બરમની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચારના મામલામાં ૭૩ વર્ષીય ચિદમ્બરમ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ચિદમ્બરમને એક પછી એક મોટા ફટકા પડી રહ્યા છે. ઇડીએ આજે ચિદમ્બરમના મામલામાં જોરદાર રજૂઆત કરી હતી. ચિદમ્બરમ હાલમાં જેલમાં રહેશે.
કારણ કે, તેમની સેરેન્ડર માટેની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. આઈએનએક્સ મિડિયા કેસમાં ચિદમ્બરમ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગઇકાલે પણ કહેવામાં આવ્યું હતું કે, આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમની ધરપકડ જરૂરી બની ગઈ છે. ચિદમ્બરમ સામે હાલમાં મુશ્કેલ ઓછી થાય તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ૨૦ અને ૨૧મી ઓગસ્ટના દિવસે તેમની ધરપકડ કરવા કોંગ્રેસી નેતાના આવાસ ઉપર ઇડીની ટીમ પહોંચી હતી પરંતુ હવે તેઓ તેમની ધરપકડ કરવા માટે ઇચ્છુક નથી જેથી એવું લાગે છે કે, જ્યુડિશિયલ કસ્ટડીમાં જ ચિદમ્બરમને રાખવામાં આવે તેવી તેમની ઇચ્છા છે. બીજી બાજુ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ચોક્કસ પાસાઓના મામલામાં પુછપરછની જરૂરિયાત દેખાઈ રહી છે. કસ્ટોડિયલ પુછપરછ સમક્ષ છ લોકોની પુછપરછ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. પાંચમી સપ્ટેમ્બરના દિવસે ચિદમ્બરમને ભ્રષ્ટાચારના કેસમાં ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો હતો.