મોરારિબાપુ અમારા બાપ છે, તેમના વિશે ખરાબ સહન કરીશું નહીં : હેમંત ચૌહાણ

673

નીલકંઠવર્ણીના વિવાદમાં ગુજરાતના જાણીતા કલાકારો મોરારિબાપુના સમર્થનમાં ખુલ્લે આમ આવી ગયા છે. મોરારિબાપુના સમર્થનમાં રાજકોટમાં લોકપ્રિય ભજન કલાકાર હેમંત ચૌહાણ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા અને લોક સાહિત્યકાર બિહારી હેમુ ગઠવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પોતાને સ્વામિનારાયણ સંસ્થા તરફથી આપવામાં આવેલા રત્નાકર એવોર્ડ પાછા આપવાની જાહેરાત કરી છે.પ્રેસ કોન્ફરન્સમાં હેમંત ચૌહાણે કહ્યું હતું કે અમારા કલાકરો ઉપર અભદ્ર ટિપ્પણી થાય ત્યારે અમે બધા એક છીએ. અમારા મનમાં કોઈના પ્રત્યે ખરાબ લાગણી નથી. મેં ૪૦ વર્ષ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા કરી છે. આવડો મોટો સંપ્રદાય લઈને બેઠા હોય ત્યારે તેમના સંતોએ આવું ખરાબ બોલતા લોકોને શીખવાડવું જોઈએ. આવી અભદ્ર ટિપ્પણી ના કરાય. મોરારિબાપુ અમારા બાપ છે. મોરારિબાપુ વિશે જે પણ કાંઈ બોલાયું છે તેને સહન કરીશું નહીં.

હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ કહ્યું હતું કે પૂજ્ય મોરારિબાપુ નીલકંઠ વિશે બોલ્યા હતા અને તે મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ટિકા અને ટિપ્પણી કરી તે એક શરમજનક બાબત છે. હું તે વાતને વખોડી કાઢું છું. સંત અને કલાકાર એક ગામ કે એક સમાજ પુરતા હોતા નથી. સંત અને કલાકાર રાષ્ટ્રના હોય છે. જેના શબ્દો પર સમાજ ચાલી રહ્યો હોય તેણી આવી ભાષા બોલવી જોઇએ નહીં. કોઈના હ્યદયની ભાવનાને ઠેસ પહોંચે તેવી ભાષા બોલવી જોઈએ નહીં. મને પણ રત્નાકર એવોર્ડ આપ્યો છે.

અને હું તેને પરત કરું છું, કોઈ પણ સંતો આવી ટિપ્પણી ન કરી તેવી અપીલ કરું છું

બિહારી હેમુ ગઢવીએ કહ્યું હતું કે મોરારિબાપુ કલાકારોનો વડલો છે. બાપનો બાપ છે. મોરારિબાપુ સર્વજ્ઞાતિને સાથે લઈને ચાલે છે. તેમની સામે કોઈ બોલે તો કલાકોની લાગણીને ઠેસ પહોંચે છે.

Previous articleકાળજી રાખનાર સંતાનને પેરેન્ટ્‌સ વધુ સંપત્તિ આપી શકે છે : સુપ્રીમ
Next articleટ્રાફિકના નવા નિયમોને લઇ જબરદસ્ત અંધાધૂધી