આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપાના વરીષ્ઠ નેતા સુરેન્દ્રકાકા, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત પ્રદેશ હોદ્દેદારઓ, મોરચાના પ્રદેશ પ્રમુખઓ, જીલ્લા પ્રભારીઓ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખ/ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની આ પ્રદેશ બેઠકમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો, ભાજપા સંગઠન પર્વ – સદસ્યતા વૃધ્ધિ અભિયાન, સક્રિય સભ્ય નોંધણી કાર્યક્રમ, કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવાની મહત્વતાને જનતા સમક્ષ ઉજાગર કરવા રાષ્ટ્રીય એકતા અભિયાન અને સંપર્કઅભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન અંતર્ગત ૧૪ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમબર સુધી ભાજપા દ્વારા યોજાનાર ‘‘સેવા સપ્તાહ’’ કાર્યક્રમ અંતર્ગત જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, આગામી ૧૭ સપ્ટેમ્બરના નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે.
સરદાર સરોવર ડેમ યોજનાની પૂર્ણતાનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે ત્યારે આગામી ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત સરકાર દ્વારા સવારે ૧૦.૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં દરેક જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા વિસ્તારમા આવેલ વિવિધ જળાશયો-નદી-ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ ઉભો કરી ‘‘માં નર્મદા’’ના વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં પવિત્ર મંત્રોચ્ચાર કરી ‘‘માં નર્મદા’’ની આરતી કરવામાં આવશે, વિવિધ વર્ગ-સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા-ત્રાંસા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાજનૈતિક વેરભાવના ઉપરાંત ગુજરાત હંમેશા આંખમાં કણાની માફક ખુંચવાના કારણોસર તથા ગુજરાતને સતત અન્યાય કરવાની માનસિકતાને કારણે ભૂતકાળમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારોએ ઇરાદાપૂર્વક સરદાર સરોવર ડેમ યોજનાને વર્ષો સુધી અટકાવી રાખી હતી, જેનાથી ગુજરાતની જનતાને લાંબા સમય સુધી દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ દ્વારા નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની મંજુરી નહી આપવાના કારણે સિંચાઇ અને દૈનિક જરૂરીયાત માટે વપરાશમાં લઇ શકાય તેવું કરોડો લીટર પાણી વહી જતુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનેક સંઘર્ષો અને દ્રઢ નિશ્ચયના કારણે આજે ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ સંપૂર્ણપણે ભરાવા જઇ રહ્યો છે. ૨૦૧૪માં પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યાના ૧૭માં દિવસે જ પ્રધાનમંત્રી મોદીએ નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજુરી આપી હતી.