ટ્રાફિક નિયમોના પાલન અંગે આદર્શ ઉદાહરણ પુરૂ પાડતી બોટાદ જીલ્લાની પોલીસ

738

આગામી તા.૧૬ સપ્ટેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ટ્રાફીક માટેનો મોટર વ્હિકલ એક્ટના નવા નિયમોમાં થયેલ ફેરફારોનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાની જનતામાં ટ્રાફીકના નિયમો અંગે જાગૃત્તિ આવે તે હેતુથી બોટાદ જિલ્લા પોલીસ દ્રારા જાગૃત્તિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

બોટાદ જીલ્લામાં તમામ નાગરિકો નવા ટ્રાફિક અને મોટર વ્હિકલ નિયમોથી જાગૃત થાય અને ટ્રાફિક નિયમોનુ પાલન કરે તે હેતુથી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક શ્રી. બોટાદનાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ જેમાં આજ રોજ તા.૧૩/૦૯/૨૦૧૯ ના રોજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના ના માર્ગદર્શન હેઠળ અને તેઓની હાજરીમાં જીલ્લાના તમામ પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા બાઇક રેલીનુ આયોજન કરવામાં આવેલ જેમાં બોટાદના જ્યોતિગ્રામ સર્કલ થી રવાના થઇ પાળીયાદ રોડ તથા પાળીયાદ રોડથી બોટાદ પોલીસ સ્ટેશન સુધી બાઇક રેલીમાં તમામ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ પોતાના બાઇક ઉપર હેલ્મેટ પહેરી સવાર થઇ રેલી કાઢી એક ટ્રાફિક નિયમોના પાલન અંગેનુ આદર્શ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

આ રેલીનો મુખ્ય હેતુ જિલ્લા પોલીસના કર્મચારીએા હેલ્મેટ પહેરી મોટર સાયકલ ચલાવી લોકોને અનુરોધ કર્યો છે કે તમામ લોકો પોતાની અને બીજાની સલામતી માટે ફરજિયાત ૫ણે હેલ્મેટ ૫હેરે. જિલ્લા પોલીસ વડાએ વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે ટ્રાફીકના નિયમોનો અમલ લોકોને હેરાન કરવા નહિ ૫રંતુ નાગરિકોની સલામતી અને જીવન બચાવવા માટે છે. ઉપરાંત બોટાદમાં આજુબાજુના ગામડાઓમાંથી મજુરી અર્થે લોકો આવતા હોય છે. અને બોટાદ ખરીદી માટેનુ કેન્દ્ર હોય જેના કારણે સવાર પડ્યે છેવાડાના ગામડાઓના લોકો બોટાદમાં આવતા હોય છે. જેથી જીલ્લાના છેવાડાના ગામડાના નાગરિકોમાં ટ્રાફિક નિયમોને લઇને જાગૃતતા આવે અને છેવાડાના ગામડાના નાગરિકો પણ ટ્રાફિક નિયમોનુ પાલન કરે તે હેતુ થી બોટાદ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો મારફત ગામડે-ગામડે બેનરો/પોસ્ટરો લગાડવામાં આવી રહ્યા છે. તેમજ શહેરી વિસ્તાર/ગ્રામ્ય વિસ્તારમાં લાઉડ સ્પીકર સાથે રિક્ષાઓ ફેરવી તમામ નાગરિકોને સંભળાય તે રીતે ટ્રાફિક નિયમોની જાગૃતતા અંગેની ઓડીયો ક્લીપો સંભાળાવી ટ્રાફિક નિયમોની જાગૃતતા અંગેના સંદેશ તમામ નાગરિક સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. તેમજ નવા ટ્રાફિક અને મોટર વ્હિકલ નિયમોથી જાગૃત થાય અને ટ્રાફિક નિયમોનુ પાલન કરે તેવી પત્રિકાઓ વહેંચી બોટાદ જીલ્લાના નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.    આમ બોટાદ જિલ્લા પોલીસ દ્રારા લોકોને અપીલ કરવામાં આવે છે કે આગામી તા.૧૬ મી સપ્ટેમ્બરથી ચુસ્તપણે ટ્રાફીકના નિયમોનું સૈા પાલન કરે અને નાગરિકોની સલામતીમાં સહયોગ કરે તથા નવા નિયમોનો ચુસ્તપણે અમલીકરણ કરવા માટે બોટાદ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે.

Previous articleઉમરાળા તાલુકાના ઠોંડા ગામે પ્રા.શાળામાં સત્ય પ્રેમ કરુણા ગૃપ દ્રારા વીસરાઇ ગયેલ શેરી રમતો યોજાઈ
Next articleટ્રાફીકનો નવો કાયદો અમલમાં આવે તે પુર્વે પીયુસી માટે લાંબી લાઈનો લાગી