આગામી ૧૬ સપ્ટેમ્બરને સોમવારથી ટ્રાફિક નિયમ ભંગ કરનારને ભારે દંડની જોગવાઈ સાથેનો કાયદો અમલમાં આવી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોમાં રોષ સાથે ભય અને ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફીક નિયમની અમલવારી પણ હાથ ધરવામાં આવી છે. વાહન ચાલકો પીયુસી કઢાવવાની લાંબી લાઈનોમાં લાગી ગયા છે. ઉપરાંત શહેરમાં કેટલાંક લોકો હેલ્મેટ ખરીદવા લાગ્યા છે જેના કારણે હેલ્મેટ વેંચતા વેપારીઓમાં ઘરાકી વધી છે. જયારે કેટલાંક લોકોએ પોતાના ઘરમાં સઘરીને રાખેલી હેલ્મેટની સાફ-સફાઈ પણ કરવા માંડી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સોશ્યલ મિડીયામાં અને લોકોમાં પણ ટ્રાફીકના નવા નિયમો ટોક ઓફ ધી ટાઉન બન્યા છે. આગામી દિવસોમાં ટ્રાફીકના નિયમો કડક બનાવાના છે. મોટી રકમનાં દંડ વસુલવામાં આવશે. લાયસન્સ, પીયુસી, વિમો, વાહન માલિકીનાં આધાર ન હોય તો વાહન ચાલકો પાસેથી મોટો દંડ લેવાશે જેમાં ખાસ કરીને હવે વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવી ફરજીયાત બનશે. ઉપરાંત કાર ચાલકોએ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો પણ દંડ લેવામાં આવશે. હાલમાં શહેરનાં પીયુસી સેન્ટરો પર વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.