રંઘોળા ખાતે આજે સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૨૦ મહિલાઓ અને પાંચ બાળકો સહિત એક સાથે ૩૧ જાનૈયાઓના કમકમાટી ભર્યા મૃત્યુ થતા તમામ મૃતકો અને ઈજાગ્રસ્તોને ભાવનગરની સર. ટી હોસ્પિટલમાં લવાયા હતા. આ અંગેના સમાચાર મળતા સર.ટી.હોસ્પિટલ ખાતે કોળી સમાજના આગેવાનો ઉપરાંત રાજકીય આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓ તેમજ લોકો ઉમટી પડ્યા હતા. અને બચાવ કામગીરીમાં વ્યસ્ત થયા હતા. સર. ટી. હોસ્પિટલના ડોકટરો સહિતની ટીમે પણ ખડે પગે રહી ઈજાગ્રસ્તોની સારવાર સહિતની ઈમરજન્સી સેવા આપી હતી. આ ઉપરાંત જીલ્લા કલેકટર તેમજ ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને યોગ્ય સારવાર કરાવવા સુચના અપાઈ હતી. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓની તથા હોસ્પિટલોની એમ્બ્યુલન્સ પણ દર્દીઓને લાવવા લઈ જવામાં ખડે પગે રહી હતી. સર.ટી. હોસ્પિટલના પી.એમ. રૂમે હજારો લોકો ઉમટી પડ્યા હતા ત્યારે ઉનાળાના તડકામાં કેટલાક લોકોએ આવા લોકોને ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને વોર્ડમાં લઈ જવા તેમજ લાશોને પી.એમ. રૂમમાં ખસેડવા પણ સેવાભાવી લોકોએ પુરી પાડી હતી. આમ અકસ્માતની ઘટનામાં લોકોએ સ્વૈચ્છિક નાત-જાતના ભેદભાવ વિના માનવતા મહેકાવી હતી.