આગામી તા.૧૫/૦૯/ ૨૦૧૯ ના રોજ એસ.એન.ડી.ટી મહીલા કોલેજ ભાવનગર ખાતે “માવતર” સંસ્થાના પ્રેરાણાસ્ત્રોત સ્વ.વિજયભાઈ દવેની પ્રથમ પૂણ્યતિથી નિમિતે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ભાવનગર મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા મેગા મેડિકલ કેમ્પને અભૂતપૂર્વ લોક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ૧૭,૦૦૦ લોકોએ આ કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમજ એસ.એન.ડી.ટી મહીલા કોલેજ, ભાવનગર ખાતે યુદ્ધના ધોરણે કેમ્પની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
આ તકે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે એક દિવસ માટે ભાવનગરની મહિલા કોલેજ અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં રૂપમાં ફેરવાશે તેવું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ મેગા મેડિકલ કેમ્પમાં આજદિન સુધીમાં કુલ ૧૭,૦૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમની સારવાર માટે એસ.એન.ડી.ટી મહિલા કોલેજ ખાતે દરેક રોગ દીઠ અલગ એવા ૨૦ થી ૨૨ રૂમનું એક વિશાળ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં વિભાગવાર ડોક્ટરો સારવાર આપશે તેમજ દર્દીઓને ઝડપી સારવાર મળે તે હેતુ થી ૧૪ જેટલી કેસબારીઓનું પણ નિર્માણ કરવામાં આવનાર છે.
આ કેમ્પમાં અમદાવાદ સીવીલ મેડીસિટીના ૨૫ થી ૩૦ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તેમજ ૪૦ થી ૪૫ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પોતાની સેવા આપવાના છે અને તેટલા જ સ્પેશિયલ ડોક્ટરો સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરથી આ કેમ્પમાં સેવાર્થે જોડાશે. સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોમાં કેન્સરની સારવાર માટેના ૬ ઓન્કોલોજિસ્ટ ડોક્ટરો, હૃદયની સારવાર માટેના ૪ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો, કિડનીની વિવિધ સારવાર માટે ૪ યુરોલોજિસ્ટ નેફ્રોલોજીસ્ટ ડૉક્ટરો તેમજ ફેફસાની સારવાર માટે ટી.બી ચેસ્ટ પરમેનોરી મેડિસિનના ચાર ડોક્ટરો તેમજ ૪૦ થી ૪૫ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આંખ, કાન, નાક, ગળા, દાંત, હાડકા, સ્કીન વગેરે જેવા રોગો માટે સેવા આપશે. ૭૦ ડોકટરો સહિત ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ, ડેટા એનાલિસ્ટ એમ કુલ મળી ૧૫૦ થી વધુનો સ્ટાફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આ કેમ્પમાં આવનાર છે.
મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે આ કેમ્પમાં દર્દીને માત્ર તપાસ જ નહીં પરંતુ જરૂરી તમામ ટેસ્ટ તેમજ દવાઓ પણ નિશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. દર્દીઓને લાવવા લઈ જવા માટે શહેર અને જિલ્લાના તાલુકાઓ જેવા કે પાલીતાણા, સિહોર, મહુવા, તળાજા, વલભીપુર, જેસર, ગારીયાધાર, ઘોઘા વગેરે જેવા સ્થળોએથી દર્દીઓને લાવવા લઈ જવા માટે સો જેટલી બસો તેમજ ૪૦ રિક્ષાઓની સુવિધા પણ ઉભી કરાઈ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે દર્દી એ ક્યાંય પણ એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે નહીં આમ લોક સેવાર્થે અને લોકહિતાર્થે યોજાઈ રહેલ આ મેગા મેડિકલ કેમ્પ ખરા અર્થ માં નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ બની રહેશે.