આફ્રિકાની સામે ભારતનો દેખાવ વધુ સારો

472

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલથી ટ્‌વેન્ટી-૨૦ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ શ્રેણીને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. આંકડા પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. ટ્‌વેન્ટી ક્રિકેટમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો બંને વચ્ચે કુલ ૧૪ ટ્‌વેન્ટી મેચો હજુ સુધી રમાઇ ચુકી છે જે પૈકી ભારતે આઠ મેચોમાં જીત મેળવી લેવામાં સફળતા હાંસલ કરી છે. જ્યારે આફ્રિકાની ટીમ પાંચ મેચો જીતી શકી  છે.

આમને સામને ઓવરઓલ રેકોર્ડની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. બંને દેશો વચ્ચે રમાયેલી મેચો પૈકી એક મેચમાં પરિણામ આવી શક્યુ નથી. આંકડા પર નજર કરવામાં આવે તો બંને ટીમો પ્રથમ વખત વર્ષ ૨૦૦૬માં આમને સામને આવી હતી. દક્ષિણ આફ્રિકાના વાન્ડર્સ મેદાન ખાતે મેચ રમાઇ હતી. ભારતીય ટીમે આ મેચ છ વિકેટે જીતી લીધી હતી.

છેલ્લી વખત બંને વચ્ચે ૬ણ મેચોની શ્રેણી રમાઇ હતી. આ ત્રણ મેચોની શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. એ વખતે ભારતીય ટીમ આફ્રિકામાં રમવા માટે પહોંચી હતી. બંને ટીમો વચ્ચે રનની વાત કરવામાં આવે તો ભારતીય ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માએ બંને ટીમોમાંથી સૌથી વધારે ૩૪૧ રન કર્યા છે. દક્ષિણ આફ્રિકાની સામે રોહિત શર્માએ સૌથી વધારે ૧૦૬ રન ફટકાર્યા છે. બીજી બાજુ દક્ષિણ આફ્રિકા તરફથી ભારતની સામે કોઇ બેટ્‌સમેન સદી કરી શક્યો નથી. ભારત તરફતી બે સદી ફટકારી દેવામાં આવી છે. જે પૈકી એક સદી રોહિત શર્માએ અને બીજી સદી સુરેશ રૈના દ્વારા કરવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી અને વિકેટકિપર બેટ્‌સમેન રિશભ પંતે કહ્યુ છે કે તે મહેન્દ્ર સિંહ ધોનીનુ સન્માન કરે છે. જ્યારે પૂર્વ કેપ્ટનની સાથે તેની સરખામણી કરવામાં આવે છે ત્યારે તે પોતાના દેખાવ પર સુધારા કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનુ કહેવુ છે કે તે દરરોજ પોતાના દેખાવમાં સુધારા કરવા માટે પ્રયાસો કરી રહ્યો છે.

દરમિયાન આફ્રિકાની ટીમ યુવા ખેલાડીઓથી સજ્જ છે. આ  ટીમ પણ લડાયક દેખાવ કરવા માટે તૈયાર છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રિશભ પંત પર તમામ ચાહકોની ખાસ નજર રહેનાર છે. ભારતીય ટીમની મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા છે. ભારતે હાલમાં વિન્ડીઝમાં શાનદાર દેખાવ કર્યો  છે. દક્ષિણ આફ્રિકાનો દેખાવ છેલ્લા કેટલાક સમયથી સારો રહ્યો નથી. મોટી સ્પર્ધામાં તેનો ફ્લોપ શો રહ્યો છે.

Previous articleભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ટ્‌વેન્ટી જંગને લઇ જોરદાર રોમાંચ
Next articleજીપીસીબીએ પ્રદૂષણ ફેલાવતા સિરામિક યુનિટોને રૂ ૪૦૦ કરોડનો દંડ ફટકાર્યો