ભરૂચ શહેરનાં ચાર રસ્તા, કૂરજા, ગાંધીનગર, દાંડિયાબજાર સહિતનાં વિસ્તારોમાં પુરનાં પાણી ભરાયું છે જેને કારણે અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. નર્મદા નદીનું જળ સ્તર ૩૨ની પાસે પહોંચી ગઇ છે. નર્મદા ડેમમાંથી હજી પણ પાણી છોડાઇ રહ્યું છે જેથી પરિસ્થિતિ વધારે વિકટ બને તેવા એંઘાણ છે.
નર્મદા ડેમનાં હાલ ૨૩ દરવાજા ખોલીને ૭ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં હજી પણ ઠલવાઇ રહ્યું છે. છેલ્લાં ચાર દિવસથી નર્મદા નદી ૩૧ ફૂટથી ઉપર એટલે કે તેની ૨૪ ફૂટની ભયજનક સપાટીથી ૭ ફૂટ ઉપરથી વહી રહી છે.
જેના કારણે શહેરના દાંડિયાબજાર, ફૂરજા, ચાર રસ્તા, ગાંધીબજાર, દાણાગલી સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસથી પુરનાં પાણી પ્રવેશ્યાં હોઇ લોકોને ઘરમાંથી નિકળી શકતાં નથી. લોકોને દૈનિક જરૂરીયાતની સામગ્રીઓ માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
પૂરના પાણી ભરાવાના કારણે શહેરનાં દાંડિયાબજાર, ફૂરજા, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રહેતાં ૫ હજારથી વધુ લોકો રોજિંદી જરૂરીયાતની સાધન સામગ્રી ખરીદવા માટે બહાર નિકળી નથી શકતા. તેઓ હાલમાં ઘરમાં સંગ્રહ કરેલી ખાદ્ય ચીજવસ્તુઓ પર દિવસ ગુજારી રહ્યાં છે.
આ વિસ્તારોમાં લોકો હોડી લઇને ફરવા મજબૂર બન્યાં છે. જમા થયેલા પાણીમાં પણ ઘણો જ કચરો ભેગો થયો છે જેના કારણે રોગચાળો વકરવાની ભીતિ છે.