કઠવાડા જીઆઈડીસીમાં આવેલી જીએસપી ક્રોપ સાયન્સ નામની દવા બનાવતી કંપનીમાં ત્રણ મહિનાથી કામ કરતા ૧૨ બાળકો સહિત ૯૪ બંધૂઆ(કરાર આધારિત)મજૂરોને નિકોલ પોલીસે છોડાવ્યા છે.
આ તમામ મજૂરોને ગોંધી રાખી તેમની ઈચ્છા વિરૂદ્ધ કામ કરાવવાની સાથે આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સિનોયહીલ પુટી ક્રિશ્ચન રહે. મૂળ આસામ અને હોતન બાયુની ક્રિશ્ચન રહે.મૂળ નાગાલેન્ડ મારફતે આરોપી મુકેશ ભરવાડ મજૂરોને લાવી કામ કરાવતો હતો. આ તમામ મજૂરોને એસપી રિંગ રોડ પર રણાસણ ટોલટેક્સ પાસે આવેલા બામ્ભા ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. આ મામલે મુકેશ રણછોડ ભરવાડ નામના શખ્સની અટકાયત કરી ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
મુકેશ ભરવાડ બેથી ત્રણ એજન્ટ દ્વારા આ લોકોને નાગાલેન્ડ અને આસામથી લાવ્યો હતો.જેમાના કેટલાક ત્રણ માસથી અને કેટલાક ચાર માસથી કામ કરતા હતા.
હાલ કેટલી કંપનીઓમાં આ લોકોને મજૂરી કરાવવામાં આવતી હતી તે અંગે તપાસ ચાલુ છે. તમામ મજૂરોને પગાર પણ આપતા ન હતા અને પરિવાર સાથે વાત નહોતા કરવા દેતા. આ મામલે જુવેનાઇલ જસ્ટિસ, ચાઈલ્ડ લેબર, બોન્ડેડ લેબર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આ કેસની અન્ય એજન્સીઓ પણ તપાસ કરશે. આરોપી મુકેશ ભરવાડના લગ્ન આસામમાં થયા હોવાથી તે ત્યાંથી મજૂરો લાવતો હતો.