દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ફરી યાદ કરાવ્યું હતું કે દેશમાં સમાન સિવિલ કોડની સ્થાપના સત્ત્વરે કરવી ઘટે છે. બંધારણના ઘડવૈયાઓની પણ આવી ઇચ્છા હતી એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમારા પ્રોત્સાહન છતાં હજુ સુધી આ દિશામાં કશું કામ થયું નથી એ વાતનો કોર્ટને અફસોસ છે. સુપ્રીમ કોર્ટે આ બાબતમાં ગોવાનો દાખલો ટાંક્યો હતો અને જણાવ્યું હતું કે ગોવા આ બાબતમાં આદર્શ રૂપ છે જ્યાં સૌ કોઇ માટે એક સમાન કાયદો છે. ગોવામાં જે મુસ્લમોએ લગ્ન કર્યાં છે એમાંના કોઇ ચાર લગ્ન કરી શકતા નથી. એજ રીતે ગોવામાં કોઇ મુસ્લિમ પતિ મોઢેથી તલાક તલાક કહીને છૂટાછેડા આપી શકતો નથી. આવો આદર્શ કાયદો સમગ્ર દેશમાં કેમ ન સ્થાપી શકાય એવો સવાલ સુપ્રીમ કોર્ટે કર્યો હતો.જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બનેલી બેન્ચે કહ્યું કે દેશના બંધારણમાં રાજ્યના નીતિસૂચક સિદ્ધાંતો સાથે જોડાયેલા ભાગ ચારમાં બંધારણની ૩૩મી કલમમાં ઘડવૈયાઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે દેશના ખૂણે ખૂણે સમાન સિવિલ કોડ લાગુ પડાશે.
સમાન નાગરિક ધારો અમલમાં આવશે. પરંતુ આજ સુધી કોઇ કહેતાં કોઇ સરકારે એ દિશામાં પ્રયાસ કર્યો નથી.
પોતાનાં ૩૧ પાનાંના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુઓને લગતા કાયદાને ૧૯૫૬માં ક્રમબદ્ધ સ્વરૂપ અપાયું હતું પરંતુ સુપ્રીમ કોર્ટના પ્રોત્સાહન છતાં આજ સુધી દેશભરમાં સમાન નાગરિક ધારો ઘડવાની દિશામાં કશું થયું નથી એ ખેદજનક બાબત છે. કેન્દ્ર સરકારે આ દિશામાં હવે સક્રિય થવાની જરૂર છે એમ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.